Gujarat

મહુવામાં 50 વર્ષ જૂના માલણ નદીના પુલની રેલિંગ તૂટી, અકસ્માતની ભીતિ

By GS TEAM
27 Jul 20252 mins read
મહુવામાં 50 વર્ષ જૂના માલણ નદીના પુલની રેલિંગ તૂટી, અકસ્માતની ભીતિ

- નબળા સ્ટ્રક્ચરના કારણે 20 વર્ષથી ભારે વાહનો માટે પુલ બંધ

- વરસાદી પાણીના પ્રવાહમાં પુલનો અમુક ભાગ પણ કડકભુશ

મહુવા : મહુવાના પ્રવેશદ્વાર પર આવેલો પાંચ દાયકા જૂનો માલણ નદીનો પુલ જર્જરીત થઈ ગયો છે. થોડા સમય પૂર્વે વરસેલા ભારે વરસાદના પગલે પુલની રેલિંગ તૂટી ગઈ હતી. સાથે પુલનો અમુક ભાગ પણ કડકભુશ થઈ ગયો છે. જેના કારણે અકસ્માતની ભીતિ વધી ગઈ છે.

મહુવાને તાલુકાના ગામડાઓ અને અન્ય રાજમાર્ગો સાથે જોડવા માટે પાંચ દાયકા પૂર્વે માલણ નદી ઉપર પુલનું નિર્માણ કરાયું હતું. આ પુલ કાળક્રમે જર્જરીત થતો જતાં નબળા સ્ટ્રક્ચરના કારણે વર્ષ ૨૦૦૫થી ભારે વાહનોની અવર-જવર પર રોક લગાવી દેવામાં આવી છે. આ બ્રિજનો ઉપયોગ મહુવા ઉપરાંત સથરા, વાઘનગર, નૈપ, કોટડા, કળસાર સહિતના ગામોના લોકો કરે છે. ત્યારે તાજેતરના ધોધમાર વરસાદમાં પાણીના પ્રવાહના કારણે પુલની રેલિંગ અને અમુક ભાગ તૂટી ગયો છે. જેના કારણે વાહનચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા હોય, પુલનું સમારકાર તાત્કાલિક કરવું જરૂરી બની ગયું છે.

ઉલ્લેખનિય છે કે, આરસીસીના પીલર ઉભા કરી પુલને મજબૂતાઈ આપવાના બદલે અગાઉ આરસીસીનું ફાઉન્ડેશન ઉભું કરી દેવામાં આવ્યું છે. જેની આવરદા લાંબી ન હોય, ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બને તે પહેલા સરકારી તંત્રએ પુલનું સમારકામ અથવા નવનિર્માણ કરવું જરૂરી છે.

મહુવા-ઉમણિયાવદર પુલ ક્ષતિગ્રસ્ત જણાયો હતો

ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ભાવનગર જિલ્લામાં ક્ષતિગ્રસ્ત પુલોની ચકાસણી માટે ગાંધીનગરથી ટીમ આવી હતી અને ૧૦ દિવસ પૂર્વે ચકાસણી થઈ ત્યારે મહુવા-ઉમણિયાવદર પુલ અને વરતેજ-વલ્લભીપુર રોડ પર ઘેલો નદીનો પુલ ક્ષતિગ્રસ્ત જણાતા ભારે વાહન માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ભાવનગર શહેરમાં પણ ક્ષતિગ્રસ્ત સાત પુલને રિપેરીંગની જરૂરિયાત હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.