ન્યુ સિટીલાઇટના સ્ટડી સર્કલ નામના ટ્યુશન ક્લાસીસમાં દરોડા
- શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ છતા છેલ્લા ત્રણેક દિવસથી સગીર વિદ્યાર્થીઓને બોલાવી કલાસ શરૂ કરી દીધો હતો
સુરત
કોરોના મહામારીને પગલે ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાનો આદેશ હોવા છતા વેસુ ન્યુ સિટીલાઇટ રોડના સ્ટડી સર્કલ નામનો ક્લાસીસ ધમધમી રહ્યો હોવાથી પોલીસે દરોડા પાડી સંચાલક અને બે શિક્ષક વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના સક્રમણને અટકાવવા સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓથી લઇ ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ ન્યુ સિટીલાઇટ રોડ સ્થિત સનરાઇઝ ક્લેવ બિલ્ડીંગના ત્રીજા માળે સ્ટડી સર્કલ નામનું ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યું હોવાથી ખટોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.પી. જાડેજાએ ક્લાસીસમાં દરોડા પાડયા હતા. જયાંથી સોશ્યિલ ડિસ્ટન્સ જાળવ્યા વિના એક ક્લાસમાં 15 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેવા બે કલાસ ચાલુ હતા. જે બંને ક્લાસના શિક્ષક સાહીલ મનોજ જૈન (ઉ.વ. 26 રહે. એ 302, વેલેંસીયા એપાર્ટમેન્ટ, આગમ હાઇટ્સ, વેસુ) અને નિરંજનસીંહ રામાનુજસીંહ (ઉ.વ. 28 રહે. 501, સુમન સાગર, વાસ્તુગ્રામ પાસે, વેસુ) ની તથા ક્લાસીસના સંચાલક નવીન દિલીપકુમાર જૈન (ઉ.વ. 43 રહે. 203, સનરાઇઝ એન્કલેવ, અલથાણ) ની એપેડમિક ડિસીઝ એક્ટ અને પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ટ્યુશન કલાસ ઓનલાઇન ચાલી રહ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી વિદ્યાર્થીઓને ક્લાસીસ પર બોલાવવામાં આવતા હતા.