Gujarat

રાજકોટ-ચોટીલા હાઇ-વે પર હોટલોમાં દરોડા 43250 લીટર બાયોડિઝલનો જથ્થો પકડાયો

By GS TEAM
11 Oct 20252 mins read
રાજકોટ-ચોટીલા હાઇ-વે પર હોટલોમાં દરોડા 43250 લીટર બાયોડિઝલનો જથ્થો પકડાયો

બાયોડિઝલનાં સંગહ માટે વપરાતા 5 ટાંકા સહિત 70 લાખનો મુદમાલ સીઝ  હોટલોને સીલ  : બાયોડિઝલનો જથ્થો સંગ્રહિત કરવાના સ્થળે પાકુ બાંધકામ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા JCBની મદદથી બાંધકામ તોડી પાડયું

ચોટીલા, : ચોટીલા રાજકોટ હાઇ-વે ઉપર મોલડી ગામ નજીક આવેલ બે હોટલોમાં મધરાત્રિના ચોટીલા પ્રાંત અધિકારી તથા તેમની ટીમે દરોડા પાડતા 43250 લીટર બાયોડિઝલનો જથ્થો પકડાયો હતો. હોટલમાં સંગ્રહ કરાતા પાંચ જેટલા ટાંકાઓ સહિત રૂ. 70 લાખથી વધુનો મુદમાલ સીઝ કરી બન્ને હોટલોને સીલ કરવામાં આવી છે. તેમજ બે શખ્સો સામે કાર્યવાહી કરાઇ છે.

તા. 11ના રાત્રીના ચોટીલા નાયબ કલેક્ટર તથા તેમની સંયુક્ત ટીમે હાઇવે ઉપર મોટી મોલડી ગામ પાસે આવેલ યુ.પી. બિહાર  પંજાબી ઢાબા હોટલ અને યુ.પી. બિહાર દરભંગા હોટલમાં દરોડા પાડતા બંને હોટલમાં જુદા-જુદા 5  ટાંકાઓ મળી આવેલ છે તેમજ એક મોટું 40 કીલો લીટર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર પણ મળી આવેલ છે. આ દરોડા દરમિયાન કુલ 43250 લીટર બાયોડીઝલનો જથ્થો અને એક ટેન્કર મળીને રૂ. 70,70,750 (રૂ. સીતેર લાખ સીતેર હજાર સાતસો પચ્ચાસ પુરા)નો મુદામાલ સીઝ કરી હોટલ માલિક વાંકાનેરનાં ઠીકરીયાળા ગામના જેઠુરભાઇ રામભાઇ ખાચર તેમજ ચોટીલાના ખેરડી ગામના વિક્રમભાઇ જોરૂભાઇ ધાંધલ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ તમામ જથ્થો કોઇને શંકા ન જાય તે માટે સંગ્રહિત બાયોડિઝલ પર પાકા બાંધકામ કરવામાં આવેલ હતાં. જે સ્ટ્રક્ચર જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ હતો, સદર તમામ પાંચ ટાંકાઓમાંથી જ્વલનશીલ પદાર્થના નમુનાઓ લેવામાં આવેલ છે.