Get The App

આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
આણંદના વાસદની મહીસાગર નદીમાં રેતી ખનન પર દરોડો : ખનન માફિયા નાસી છૂટયા : રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત 1 - image

- ગાંધીનગર, વડોદરા અને પંચમહાલની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમોનો સપાટો

- 5 હાઇવા, 3 હિટાચી મશીન, બાર હોળી સહીતના વાહન-સાધનો જપ્ત : કરોડોની રેતી ચોરીની પણ શંકા : સ્થાનિક ખાણ ખનીજ વિભાગની કામગીરી પર પણ સવાલો 

આણંદ : આણંદ જિલ્લાના વાસદ નજીક મહી નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા બેફામ અને ગેરકાયદેસર રેતી ખનન પર ગાંધીનગર, વડોદરા અને પંચમહાલની ફ્લાઇંગ સ્ક્વોડે દરોડો પાડી સપાટો બોલાવ્યો છે. જેમાં ખનન માફિયા તો નાસી છૂટયા હતા. પરંતુ ખનનમાં ઉપયોગમાં લેવાતા વાહનો-સાધનો ૫ હાઇવા, ૩ હિટાચી મશીન, બાર હોળી સહીત રૂપિયા ૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફ્લાયિંગ સ્ક્વોર્ડના દરોડાથી સ્થાનિક ખાણ ખનીજ વિભાગ પર પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે. 

આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી કિનારે છેલ્લા ઘણા સમયથી ઉમરેઠ તાલુકાના અહિમા ગામથી લઈ વાસદ સુધીના પટ્ટામાં અનેક સ્થળોએ ગેરકાયદેસર રેતીનું ખનન થઈ રહ્યું છે અને ખનન માફિયા દ્વારા નાવડીયો અને હિટાચી મશીનો મૂકી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. મોટાભાગે રાત્રિના અંધકારમાં જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય છે અને વહીવટી તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની પણ રહેમનજર હોવાની શંકા ઉઠી રહી છે. થોડા સમય અગાઉ પણ આવા ભ્રષ્ટ અધિકારીઓ પૈકીના ચાર કર્મચારીઓ એસીબીના છટકામાં ઝડપાતા ભારે ચકચાર મચી હતી અને થોડા સમય માટે સમગ્ર નેટવર્ક આટોપી લીધા બાદ હવે પુનઃ એકવાર આ નેટવર્ક કાર્યરત થયું હોવાની ચર્ચાઓ એરણે ચડી છે.

ત્યારે વાસદ નજીક મહી નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા બેફામ અને ગેરકાયદેસર રેતી ખનન પર ગાંધીનગર, વડોદરા અને પંચમહાલની ફ્લાઇંગ સ્ક્વોડે દરોડો પાડી સપાટો બોલાવ્યો છે. જેમાં ૫ હાઇવા, ૩ હિટાચી મશીન, બાર હોળી સહિતનો રૂપિયા ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સ્થાનિક ખાન ખનીજ વિભાગ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં નિષ્ફળ સાબિત થયો હોવાથી આ બહારની સ્ક્વોડે કાર્યવાહી કરવી પડતા તેમની કામગીરી પર પણ સવાલો પેદા થઈ રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને આંકલાવ અને બોરસદ તાલુકામાં રોજબરોજ ડંફરિયા દ્વારા ખેડૂતોની કિંમતી જમીન ખોદીને તેમાંથી લાખો રૂપિયાની માટીની હેરાફેરી કરવામાં આવી રહી છે. જેની સામે વારંવાર રજૂઆતો પણ થવા પામી હતી તેમ છતાં આણંદ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ખનન માફિયાઓને છૂટો દોર મળે છે.