ઉદયપુરની હોટલમાં રેવ-મુજરા પાર્ટી પર દરોડો, ગુજરાતના 36 ઝડપાયા
'પાર્ટી'નો ભાવ રૂા.5000 નક્કી કરવામાં આવ્યો હતો
વેશ્યાવૃત્તિ માટે મહિલાઓ બોલાવવામાં આવી હતી, હોટલ માલિક અને દલાલ મહિલાની પણ ધરપકડ
ગુજરાતમાંથી બસ ભરીને સ્ત્રીઓ- પુરૂષો પાર્ટીમાં પહોંચ્યા હતા, બસ પણ કબજે
ઈકો સેન્સિટિવ ઝોન નજીક તીવ્ર મ્યુઝિક વગાડાતાં ધ્વનિ પ્રદૂષણ અધિનિયમની કલમ પણ લગાડાઈ
ગઈ તા.રના રોજ ઉદયપુરના નાઈ પોલીસ મથકની હદમાં કોડીયાત રોડ પર આવેલી ગણેશ હોટલમાં વિશ્વજીત સોલંકી નામના આયોજક દ્વારા યુવતીઓ બોલાવી તેમની પાસેથી મુજરા અને વેશ્યાવૃત્તિ કરાવાતી હોવાની બાતમી મળી હતી. એટલું જ નહીં, આ હોટલમાં ગેરકાયદે દારૂ પણ પુરો પડાતો હોવાની બાતમી હતી, જેના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરાવી હતી.
ત્યાર પછી હોટલમાં રેડ કરી હતી, જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. પાર્ટીમાં સામેલ કેટલાક લોકો પોલીસથી બચવા હોટલની અગાશી ઉપર પણ ચડી ગયા હતા. કેટલાક લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ રહ્યો ન હતો. આ પાર્ટીમાં રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતનાં સ્થળોએથી આવેલા ૪૦ પુરૂષ અને ૧૧ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.
હોટલમાંથી પોલીસે ગેરકાયદે દારૂ, સાઉન્ડ સિસ્ટમ, આપત્તિજનક સામગ્રી અને ૩ મોટાં વાહનો કબજે કર્યા હતા. પાર્ટીમાં ગુજરાતમાંથી બસ ભરીને મહિલા અને પુરૂષો પહોંચ્યા હતા, જે બસ પણ કબજે કરાઈ છે. આરોપીઓ સામે વૈશ્યાવૃત્તિ કરાવવા અંગે, આબકારી અધિનિયમ અને બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસે જણાવ્યું કે રાત્રે ૧૦ વાગ્યા પછી નજીકમાં સજ્જનગઢ ઈકો સેન્સિટિવ ઝોન હોવાના કારણે તીવ્ર મ્યુઝિક વગાડવા ઉપર મનાઈ હતી. આ નિયમનો પણ ભંગ કરાયો હોવાથી રાજસ્થાન ધ્વનિ પ્રદૂષણ અધિનિયમની કલમ પણ લગાડવામાં આવી છે.
ગુજરાતની 04 મહિલા અને 32 પુરૂષ આરોપીઓની યાદી
રાજકોટ: હોટલ ગણેશમાંથી પોલીસે કુલ પ૧ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં હોટલ માલિક વિશ્વજીત સોલંકી, અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી દલાલ મંજુલાબેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના જે આરોપીઓની ધરપકડ થઈ છે તેમાં જયપાલસિંહ જાડેજા (રહે. ખાનપર, મોરબી), નિકુંજ અનિલભાઈ (રહે. વિનોબા ભાવેનગર અમદાવાદ), મમતાબેન (રહે. અમદાવાદ), સરસ્વતીબેન (રહે. આણંદ), રાણીબેન (રહે. મહેસાણા), ભાવિન ગાંગાણી (રહે. જામજોધપુર), ગૌતમ વ્યાસ (રહે. તાલાલા ગીર), પંકજ પાનસુરીયા (રહે. ભેંસાણ), ભાસ્કર પુરોહિત (રહે. તાલાલા ગીર), નિશીત સોરીયા (રહે. ટંકારા), અસ્લમ દલ (રહે. વિસાવદર), દિપ જૈન (રહે. જામજોધપુર), પ્રફુલ સોરીયા (રહે. બંગાવડી, ટંકારા), દેવાભાઈ કેશવાલા (રહે. આંત્રોલી, માંગરોળ), મોહસીન તૈલી (રહે.ધોરાજી), કિશન ચિત્રોડા (રહે. કુતિયાણા), આરબ અબ્બાહસન (રહે. જૂનાગઢ), અલ્તાફ કુરેશી (રહે. જૂનાગઢ), ભીમાભાઈ ઓડેદરા (રહે. પોરબંદર), રાજકુમાર અલવાણી (રહે. જૂનાગઢ), અંકુર કાલરીયા (રહે. ભાણવડ, જામનગર), પ્રવીણ પરમાર (રહે. મેંદરડા), મુન્નાભાઈ (રહે. જૂનાગઢ), મેહુલ ઠુંમર (રહે. અમરેલી), જસપાલ ચૌહાણ (રહે. ગીર સોમનાથ), કલ્પેશ હડીયા (રહે. ઉના), મૌલિક રાઠોડ (રહે. બાંટવા, જૂનાગઢ), હાસીમ મહીડા (રહે. જૂનાગઢ), જિશાન ડામર (રહે. બાંટવા), લલિત પાનસુરીયા (રહે. ભેંસાણ, જૂનાગઢ), અમિત ગંગવાણી (રહે. જૂનાગઢ), વિપુલ કાનાબાર (રહે. તાલાલા ગીર), કૃષ્ણ ભાટુ (રહે. માણાવદર), ચિરાગ ઉનડકટ (રહે. વેરાવળ) અને કિશોર દાપડા (રહે. સુરત)નો સમાવેશ થાય છે.
કેટલાક યુવાન અને મહિલા આપત્તિજનક હાલતમાં મળ્યા
રાજકોટ: પાર્ટીમાંથી કેટલાક યુવાનો અને મહિલાઓ આપત્તિજનક હાલતમાં મળ્યા હતા. મુજરા પાર્ટીમાં ચલણી નોટો પણ ઉડાડાતી હતી. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે ગણેશ હોટલમાં થતી પ્રવૃત્તિઓ છેલ્લા કેટલાક સમયથી પોલીસની નજરમાં હતી. આ અંગે ફરિયાદો મળ્યા બાદ આખરે પોલીસે ડમી ગ્રાહક મોકલી ખાત્રી કર્યા બાદ રેડ કરી હતી. રાત્રે પાડેલી રેડ સવાર સુધી ચાલી હતી. ઝડપાયેલા તમામ આરોપીઓના નામોની પોલીસે તેમની પાસે રહેલા દસ્તાવેજોના આધારે ખરાઈ કરી હતી. રેડ વખતે કેટલાક યુવાનો અને મહિલાઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા.