Gujarat

મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા, 1000 કિલો જથ્થો જપ્ત

By GS TEAM
19 Dec 20251 min read
મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા, 1000 કિલો જથ્થો જપ્ત

સુરેન્દ્રનગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ સામે કાર્યવાહી

સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરનારની મિલકત સીલ કરવાની મનપાની ચીમકી

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર શહેરમાં મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર મનપાની ટીમે દરોડો પાડી ૧૦૦૦ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો.  સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં વેચાણ થતાં મનપાની સેનિટેશન વિભાગની ટીમે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું સંગ્રહ અને વેચાણ કરતા તત્વોની મિલકત સીલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ અને વેચાણ અટકાવવા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના મૂળચંદ રોડ પર આવેલા એક ગોડાઉન પર સેનિટેશન વિભાગની ટીમે દરોડા પાડી ૧૦૦૦ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો છે. 

મનપાની તપાસમાં આ ગોડાઉન ભાવિક જંગડા નામના શખ્સનું હોવાનું ખુલ્યું છે. બે દિવસ પૂર્વે આ ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ માલિક ગેરહાજર હોવાથી તપાસ અટકી હતી. આજે માલિકની હાજરીમાં ગોડાઉન ખોલી તપાસ કરતા મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પાલિકા દ્વારા તમામ જથ્થો જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે.