ઉતરાયણ પર્વ પહેલા પોલીસની પ્રોહિબિશન ડ્રાઈવ
લિસ્ટેડ બુટલેગર સહિત બે પકડાયા, અન્ય બેની શોધખોળ ૩.૩૯ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ઉતરાણ પર્વ પહેલા પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ શરૃ કરવામાં આવી છે ત્યારે દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા ગામમાં ઘરમાંથી ચાલતા વિદેશી દારૃના વેપલા ઉપર પોલીસે દરોડો પાડીને બે શખ્સોને ઝડપી લીધા છે અને ૩.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે મહિલા સહિત ફરાર થયેલા બેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.
રાજ્યમાં આમ તો દારૃબંધી છે પરંતુ પર પ્રાંતમાંથી મોટા
પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં
બુટલેગર દ્વારા જે તે વિસ્તારમાં તેને પહોંચાડીને વેચાણ કરવામાં આવતું હોય
છે. આ સ્થિતિમાં હાલ ઉતરાયણ પર્વ પહેલા
ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ
કરવામાં આવી રહી છે. દહેગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી
હતી કે, દેવકરણના
મુવાડા ગામે રહેતો લિસ્ટેડ બુટલેગર મહેન્દ્રસિંહ ગેમરસિંહ ઝાલા તેના પરિવારના
સભ્યો સાથે ઘરમાં વિદેશી દારૃનો જથ્થો રાખીને તેનો વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના
આધારે પોલીસ ટીમ દ્વારા અહીં દડો પાડવામાં આવ્યો હતો તે દરમિયાન તેના ઘર અને ઘર
બહાર પાર્ક કરવામાં આવેલી કારમાંથી વિદેશી દારૃ અને બિયરના ટીન મળીને ૧૪૬ નંગ મળી
આવ્યા હતા. જેથી ૨૪ હજાર ઉપરાંતનો દારૃ કબજે કરવામાં આવ્યો હતો અને ઘરે હાજર મળી
આવેલા મહેન્દ્રસિંહ ઝાલા તેમજ તેના સાગરિત અજય નટવરસિંહ પરમારને ઝડપી લેવામાં
આવ્યા હતા. જ્યારે તેનો પુત્ર ભરતસિંહ ઉર્ફે ગુડ્ડુ મહેન્દ્રસિંહ ઝાલા અને
જ્યોત્સનાબેન મહેન્દ્રસિંહ ઝાલા સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસ દ્વારા
કુલ ૩.૩૯ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને ફરાર થઈ ગયેલા વ્યક્તિઓની શોધખોળ શરૃ
કરવામાં આવી છે.


