Get The App

સાયલાના ચોરવીરા વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણ પર દરોડો

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
સાયલાના ચોરવીરા વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણ પર દરોડો 1 - image

- કાર્બોસેલના 9 કૂલા ચાલુ હાલતમાં મળી આવ્યા

- એક જ જગ્યા પર તંત્રની ટીમે ત્રીજીવાર દરોડો પાડયો : કૂવા પરથી ૬ ટ્રેક્ટર સહિત લાખોનો મુદ્દામાલ ઝડપાયો

સાયલા : સાયલાના ચોરવીરા વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણ પર ખાણ ખનીજની ટીમે દરોડો પાડી નવ કૂલા ચાલુ હાલતમાં ઝડપી પાડયા છે. તંત્રની ટીમે એક જ જગ્યા પર ત્રીજીવાર દરોડો પાડી કૂવા પરથી ૬ ટ્રેક્ટર સહિત લાખોનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. હાલ કેટલું ગેરકાયદે ખનન થયું છે તે જાણવા તંત્રની ટીમે માપણીની કામગીરી શરૂ કરી છે.

સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગ દ્વારા સાયલા તાલુકાના ચોરવીરા ગામના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ પર બપોરના સમયે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ગેરકાયદેસર ચાલતી ખાણ પરથી ૯ કૂવા, ૬ ટ્રેક્ટર, જનરેટર અને ચરખીઓ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ખનીજ વિભાગ દ્વારા જ્યારે આ રેડ કરવામાં આવી, ત્યારે કાર્બોસેલની કામગીરી ચાલુ હાલતમાં હતી. ખાણની અંદર મજૂરી કરી રહેલા મજૂરોને ખનીજ વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ઝડપાયેલો તમામ મુદ્દામાલ સુરેન્દ્રનગર ખાણ-ખનીજ કચેરીએ લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં આ જગ્યા પર ત્રીજી વાર રેડ કરવામાં આવી છે, જેનાથી ગેરકાયદેસર ખનનનું પ્રમાણ સ્પષ્ટ થાય છે. ખાણમાં કેટલું ખનન થયું છે, કેટલો કોલસો કાઢવામાં આવ્યો તે જાણવા ખાણ માપવાની કામગીરીમાં કરવામાં આવશે.

સુરેન્દ્રનગરના થાન અને મુળી પંથકમાં હજારો ખાણો આવેલી છે જેમાંથી કાર્બોેસેલનું ખનન થતું હોય છે અને ઘણા શ્રમિકોના મોત પણ થયા છે, દરરોજ લાખો રૂપિયાની ખનીજ ચોરી થતી હશે, પરંતુ તંત્ર દ્વારા સંદતરે આ ખનીજ ચોરી અટકાવવામાં આવતી નથી. આવી ગેરકયાદે ચાલતી ખાણમાં મોટાભાગે પરપ્રાંતિય મજૂરોનો ઉપયોગ થતો હોય છે.