Get The App

ફાર્મ હાઉસમાં ધમધમતી જુગાર ક્લબ પર દરોડો, સાત ઝડપાયા

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
ફાર્મ હાઉસમાં ધમધમતી જુગાર ક્લબ પર દરોડો, સાત ઝડપાયા 1 - image

ઉપલેટાના ખાખીજાળીયા ગામે એસએમસીનો દરોડો

રોકડ, વાહનો, મોબાઇલ મળી રૂા. ૨૪.૫૯ લાખનો મુદ્દામાલ કબજે, સ્થાનિક પોલીસ સામે ઇન્કવાયરી કરાવાશે

રાજકોટ: ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે રાજેશ ઉર્ફે રાજુ ખીમાભાઈ સુવાના ફાર્મ હાઉસમાં ધમધમતી જુગારની ક્લબ ઉપર એસએમસીએ દરોડો પાડી સાત શખ્સોને ઝડપી લીધા હતા. સ્થળ પરથી રોકડ, વાહનો વગેરે મળી કુલ રૂા. ૨૪.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્થાનિક એટલે કે ભાયાવદર પોલીસ સામે ઇન્કવાયરી કરાવાય તેવી શક્યતા છે.

એસએમસીના પીઆઇ આર.કે. કરમટાએ મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઇકાલે રાત્રે સ્ટાફના માણસો સાથે દરોડો પાડી જુગાર રમતા ફાર્મ હાઉસ માલિક રાજેશ (રહે. ઉપલેટા), રામદે ઉર્ફે રામભાઈ કારાભાઈ સુવા (રહે. મોજીરા, તા. ઉપલેટા), દિનેશ ગોવિંદ મકવાણા (રહે. બુટાવદર, તા. જામજોધપુર), મુકેશ નાનુભાઈ ઉનડકટ (રહે. ભાયાવદર), ગિરીરાજસિંહ જીલુભા જાડેજા (રહે. પીપરડી, તા. જામકંડોરણા), અનિલ કાનજીભાઈ દલસાણીયા (રહે. ભાયાવદર) અને જયેશ વસનભાઈ કાનગડ (રહે. ડેયર, તા. રાણાવાવ)ને ઝડપી લીધા હતાં.

સ્થળ પરથી સાત મોબાઇલ ફોન, રૂા. ૩.૧૦ લાખની રોકડ રકમ અને છ વાહનો કબજે કર્યા હતા. રોકડ રકમ જોતાં મોટાપાયે જુગાર રમાતો હોવાનું સ્પષ્ટ બન્યું છે. એસએમસીએ આ જુગારની ક્લબ ખરેખર કેટલા સમયથી ચાલતી હતી તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. 

કોઇપણ જિલ્લામાં બહારની એજન્સી દરોડો પાડે ત્યારે નિયમ મુજબ સ્થાનિક પોલીસની બેદરકારી કે મીલીભગત અંગે ઇન્કવાયરી કરાવાય છે. આ કિસ્સામાં પણ ભાયાવદર પોલીસ સામે એસપી દ્વારા ઇન્કવાયરી કરાવાય તેવી શક્યતા છે.