Gujarat

રાજકોટમાં સ્પામાં ધમધમતા કૂટણખાનામાં દરોડો, 2ની ધરપકડ

By GS TEAM
29 Aug 20252 mins read
રાજકોટમાં સ્પામાં ધમધમતા કૂટણખાનામાં દરોડો, 2ની ધરપકડ

3 રૂપલલનાને પોલીસે સાક્ષી બનાવી : બીજા ઘણા સ્પા અને અમુક હોટલોમાં અનૈતિક પ્રવૃતિ ચાલતી હોવાની ચર્ચા પરંતુ પોલીસ નિષ્ક્રિય

રાજકોટ, : શહેરના રજપુતપરા મેઈન રોડ પર સુરભી કોમ્પ્લેક્ષના બીજા માળે સેવન-પ્લસ સ્પામાં ધમધમતાં કૂટણખાના ઉપર એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી સંચાલક અને મેનેજર સહિત બેની ધરપકડ કરી હતી. સ્પામાંથી મળી આવેલી ત્રણ રૂપલલનાને નિયમ મુજબ પોલીસે સાક્ષી બનાવી હતી. ઘણાં સમયથી આ સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે. 

મળેલી બાતમીના આધારે પીઆઈ બી. વી. બોરિસાગર અને પીએસઆઈ એસ.એમ. રાણાએ ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરાવ્યા બાદ દરોડો પાડયો હતો. તે વખતે કોઈ ગ્રાહક તો મળી આવ્યું ના હતું. પરંતુ રાજકોટની બે અને પશ્ચિમ બંગાળની એક મળી એમ ત્રણ રૂપલલના મળી આવી હતી. જેને પોલીસે નિયમ મુજબ સાક્ષી બનાવી હતી.  સ્પામાંથી પોલીસે મેનેજર કશ્યપ નિતીન ચુડાસમા (રહે. જામનગર રોડ, નવી કોર્ટ પાસે, શ્રીજી પાર્ક શેરી નં. 1) અને સંચાલક રાહુલ મનોજભાઈ હજારીયા (રહે. રેલનગર, આસ્થા ચોક, ગુરૂવારી બજાર પાસે)ની ધરપકડ કરી હતી.  તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે બંને આરોપીઓ ગ્રાહક પાસેથી કુલ રૂા. 3500 વસુલતા હતા. જેમાંથી રૂા. 1,000 રૂપલલનાને આપતા હતા. બાકીના રૂા. 1500 પોતે રાખતા હતા. સ્પામાં  એન્ટ્રી ફીના નામે રૂા. 1,000 અલગથી વસુલ કરતાં હતા.  પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી રૂા. 13,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.  આ અંગે ધ ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરમાં આ એક નહીં પરંતુ બીજા ઘણા સ્પામાં પણ અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હોવાની છાશવારે ફરિયાદો ઉઠે છે. અમુક હોટલોના નામો પણ  ચર્ચામાં આવે છે. આમ છતાં પોલીસને આ બાબતે કોઈ રસ ન હોય તેમ મોટાપાયે કાર્યવાહી કરતી નથી. તેને બદલે એકલ-દોકલ કેસ કરી કામગીરી કર્યાનો સંતોષ મેળવી લે છે.