ઓરડી ભાડે આપનાર કારખાનેદાર સામે ગુનો : ટ્રાન્સપોર્ટ પેઢીમાં મજૂરી કરે છે : તમામના મોબાઇલ ફોન કબજે લઇ સાયબર લેબમાં મોકલી અપાયા
રાજકોટ, : તાજેતરમાં દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અને અન્ય રાજ્યોમાંથી મળેલા વિસ્ફોટકોના કેસમાં કેટલાક કાશ્મીરી ડોક્ટર સહિતનાઓની સંડોવણી ખૂલી હતી, જેને પગલે દેશભરની પોલીસને એલર્ટ કરી દેવાઇ હતી. રાજકોટનાં અટીકા વિસ્તારમાંથી પાંચ કાશ્મીરી શ્રમિકો મળી આવતાં ભક્તિનગર પોલીસે તમામની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. એસઓજીએ પણ તપાસમાં ઝૂકાવ્યુ છે.
બે દિવસ પહેલા રાત્રે ભક્તિનગર પોલીસને એવી માહિતી મળી હતી કે વિરાણી અઘાટ પાસે ઘનશ્યામ-૩ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ઓરડીમાં રહેતા શખ્સો કાશ્મીરી ભાષામાં વાત કરે છે, જેથી પોલીસે તપાસ કરતાં ઓરડીમાંથી પાંચ કાશ્મીરી શ્રમિકો મળી આવ્યા હતાં.
પાંચેય કાશ્મીરી શ્રમિકોની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી. એસઓજીના સ્ટાફે પણ પૂછપરછ કરી હતી. તમામના મોબાઇલ ફોન પોલીસે કબજે લઇ સાયબર લેબમાં મોકલી આપ્યા છે. તેના રિપોર્ટની પોલીસ રાહ જોઇ રહી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પાંચમાંથી એક કાશ્મીરી શ્રમિક ત્રણેક વર્ષથી રાજકોટમાં છે. બાકીના ચારેય છેલ્લા પાંચ-છ મહિનામાં રાજકોટ આવેલા છે. તમામ અટીકામાં આવેલી રણજીત ટ્રાન્સપોર્ટ પેઢીમાં મજૂરી કરતા હોવાનું જણાવી રહ્યાં છે. હાલના તબક્કે કોઇ શંકાસ્પદ બાબત મળી નથી. આમ છતાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે.


