Gujarat

સયાજીગંજમાં અજયની હત્યા કરનાર રાહુલ તેની પત્ની સાથે ફરાર

By GS TEAM
6 Oct 20252 mins read
સયાજીગંજમાં અજયની હત્યા કરનાર રાહુલ તેની પત્ની સાથે ફરાર

વડોદરાઃ સયાજીગંજ વિસ્તારમાં રવિવારે સાંજે નજીવી તકરારમાં યુવકની થયેલી હત્યાના બનાવ  બાદ હત્યા કરનાર રાહુલ તેની પત્ની સાથે ફરાર થઇ જતાં પોલીસ તેની તપાસ કરી રહી છે.

સયાજીગંજના ભવાની નગરમાં રહેતો ૩૦ વર્ષના અજય રાજુભાઇ શિંદે ગઇસાંજે મિત્રો સાથે હતો તે દરમિયાન રાહુલ ખેડેકર અને જયેશ સોનાર વચ્ચે ઝઘડો થતાં અજય તેમજ વિકાસ વચ્ચે પડયા હતા.જેથી રાહુલ ખેડેકરે લોખંડની કોશ વડે અજયના  માથામાં ઉપરાછાપરી  ફટકા મારતાં તેનું મોત નીપજ્યું હતું.જ્યારે,વિકાસ મોરેને પણ ઇજા થઇ હતી. 

ઉપરોક્ત  બનાવ બાદ સયાજીગંજ પોલીસે વિકાસની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધી અજયની તપાસ કરતાં તે પત્ની સાથે ફરાર થઇ ગયો હોવાની વિગતો જાણવા મળી હતી.જેથી પોલીસે તેને શોધવા માટે જુદીજુદી બે ટીમો બનાવી છે.જેમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઇ છે.

ગોત્રીમાં રહેતો અજય રવિવારને કારણે જૂને ઘેર આવ્યો અને મોત મળ્યું

સયાજીગંજમાં નજીવી  બાબતે થયેલી તકરારમાં અજય શિંદેનું મોત નીપજતાં તેના પરિવારજનો અને સગાંએ ભારે આક્રંદ કર્યું હતું અને આરોપીને સખ્ત સજા કરવા માંગણી કરી હતી.મરનાર અજય કેટલાક સમય પહેલાં ગોત્રીની ભૂમિ રેસિડેન્સી ખાતે રહેવા ગયો હતો.પરંતુ ગઇ કાલે રવિવાર હોવાથી પરિવાર સાથે ભવાની નગરના જૂના ઘેર આવ્યો હતો અને તે દરમિયાન જ તેને મોત મળ્યું હતું.

હત્યામાં વપરાયેલી લોખંડની કોશ કબજે

સયાજીગંજમાં ગઇસાંજે થયેલી હત્યાના બનાવમાં આરોપીને શોધવા ભવાની નગરમાં ગયેલી સયાજી ગંજ પોલીસને આરોપીની ઘર પાસેથી હત્યામાં વપરાયેલી લોખંડની કોશ મળી આવી હતી.જે કોશ કબજે લઇ ફોરેન્સિક નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.