Rahul Gandhi Slams BJP Over SIR: લોકસભામાં વિપક્ષના નેતા તથા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ SIR મામલે ફરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાતમાં SIRની પ્રક્રિયામાં ગરબડ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર વોટ ચોરીના આક્ષેપ લગાવ્યા છે. તેમનો આરોપ છે કે ચૂંટણી પંચ જાણીજોઇને કોંગ્રેસના વૉટર્સના નામ મતદાર યાદીમાંથી કાપી રહ્યું છે.
ગુજરાતમાં વોટ ચોરીનું કાવતરું: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જ્યાં જ્યાં SIR, ત્યાં ત્યાં વોટ ચોરી. ગુજરાતમાં SIRના નામે સુનિયોજિત, સંગઠિત અને વ્યૂહનીતિ બનાવી વોટ ચોરી કરવામાં આવી રહી છે. એક જ નામથી હજારો વાંધા અરજી દાખલ કરવામાં આવી રહી છે. ખાસ વર્ગ તથા કોંગ્રેસ સમર્થક બૂથમાં જ મતદારોના નામ કાપવામાં આવ્યા છે. જ્યાં જ્યાં ભાજપ હાર ભાળી જાય છે ત્યાં ત્યાં સિસ્ટમમાંથી મતદારોના નામ જ ગાયબ કરી દેવાય છે. આ પેટર્ન કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળી. હવે એ જ બ્લુપ્રિન્ટ ગુજરાત, રાજસ્થાનમાં લાગુ કરવામાં આવી રહી છે.
ચૂંટણી પંચ પર ગંભીર સવાલ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની કાર્યવાહી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, બંધારણમાં 'એક વ્યક્તિ, એક મત'નો અધિકાર આપવામાં આવ્યો છે. જે ખતમ કરવા માટે SIRને હથિયાર બનાવવામાં આવ્યું છે. જેથી સત્તામાં કોણ બેસશે તે જનતા નહીં, ભાજપ નક્કી કરી શકે. ગંભીર સત્ય છે કે ચૂંટણી પંચ હવે લોકશાહીનું રક્ષક, પણ વોટ ચોરીના કાવતરામાં ભાગીદાર બની ગયું છે.


