ગુજરાતની વિવિધ વિધાનસભામાં તાલુકા-જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે રાહુલ ગાંધી: ચૂંટણી જીતવા નવો પ્લાન
Gujarat Congress: ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષ કરતાં વધુ સમયથી કોંગ્રેસ સત્તા મેળવી શકતી નથી. હવે અહીં કોંગ્રેસને મજબુત કરવા ખુદ રાહુલ ગાંધીએ કમાન સંભાળી છે. થોડા સમય પહેલાં તેમણે સંસદમાં પણ પડકાર ફેંક્યો હતો કે, હવે ગુજરાત લઈને જ ઝંપીશું. તેના ભાગરૂપે આગામી સમયમાં ખુદ રાહુલ ગાંધી ગુજરાતમાં દરેક વિધાનસભા બેઠકદીઠ બે-બેદિવસ રોકાવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે. મહિનામાં બેથી ત્રણવાર તેમની ગુજરાતની મુલાકાત રહેશે.
રાહુલ ગાંધી તાલુકાના પ્રમુખના ઘરે જમશે અને રોકાશે
કોંગ્રેસના સંગઠનમાં જડમૂળથી ફેરફાર થઈ રહ્યા છે. એઆઈસીસીના માર્ગદર્શન હેઠળ 10 દિવસની પ્રશિક્ષણ શિબિર જૂનાગઢમાં ચાલી રહી છે. શિબિરમાં આવેલા રાહુલ ગાંધીએ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોને સંબોધન કર્યું હતું અને તેમાં સ્પષ્ટતા કરી હતી કે, હવે તે આગામી 18 તારીખે પરત ફરે ત્યારે કદાચ વિધાનસભા બેઠકદીઠ તેનો પ્રોગ્રામ તૈયાર થઈ જશે. ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તાર એક દિવસ સુધી રાહુલ ગાંધી રોકોણ કરશે. જેમાં હોટલોને બદલે જિલ્લા, તાલુકાના પ્રમુખના ઘરે જમશે અને ત્યાં જ રોકાશે. એકથી બે દિવસના કાર્યક્રમમાં તાલુકા-જિલ્લા પંચાયતના હારેલા-જીતેલા સભ્ય, પૂર્વ ધારાસભ્યો સહિતનાઓને મળી જે-તે બેઠકનો તાગ મેળવશે.
વર્ષ 2027 સુધીમાં ગુજરાતની તમામ બેઠકોનો પ્રવાસ પૂર્ણ થઈ જાય તે રીતે રાહુલ ગાંધીની ટીમ દ્વારા પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે. કોંગ્રેસની આ નીતિથી ભાજપનો પણ જીવ ઉચક બન્યો છે. રાહુલ ગાંધીની કમાન કેવી સફળતા અપાવશે તે મુદ્દે અનેક રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.