વડોદરા પહોંચ્યા રાહુલ ગાંધી: આજે સહકારી સંગઠનો સાથે કરશે બેઠક, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Radhul Gandhi Gujarat Visit : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2027ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સંસદમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે (26 જુલાઇ) ગુજરાત પહોંચ્યા છે. વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે રાહુલ ગાંધી વડોદરાના જીતોડિયા ગામમાં સહકારી દૂધ ઉત્પાદકો અને સહકારી સમુદાયના નેતાઓ સાથે બેઠક યોજશે. આ મુલાકાતમાં દૂધ ઉત્પાદકોની સમસ્યાઓ, સ્થાનિક સહકારી સમિતિઓની સ્થિતિ અને ખેડૂતોના હિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ નેતૃત્વનું માનવું છે કે સહકારી મોડેલ ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે અને તેને મજબૂત કરવું એ પાર્ટીની પ્રાથમિકતા છે. આ બેઠકમાં સ્થાનિક ખેડૂતોની પણ ભાગીદારી જોવા મળશે.
આણંદમાં નવા જિલ્લા પ્રમુખોને સંબોધશે અને દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કરશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે (26 જુલાઈ) ના રોજ ગુજરાતના આણંદ શહેરમાં પાર્ટીના નવા જિલ્લા પ્રમુખોને સંબોધિત કરશે અને સહકારી દૂધ સમિતિઓ સાથે જોડાયેલા ખેડૂતો અને નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. આ પ્રવાસ ખાસ કરીને એવા મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે, જે વર્તમાનમાં ગુજરાતની સહકારી વ્યવસ્થા અને દૂધ ઉદ્યોગને પ્રભાવિત કરી રહ્યા છે.
નવા જિલ્લા પ્રમુખો સાથે પણ કરશે વાત
ગુજરાત કોંગ્રેસે તાજેતરમાં જ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે. આ નવા પ્રમુખો માટે 26 થી 28 જુલાઈ સુધી આણંદના એક રિસોર્ટમાં ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી 26 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. આ સત્રનો ઉદ્દેશ આગામી 2027ની ચૂંટણીઓ માટે રણનીતિ તૈયાર કરવી અને સંગઠનને જમીની સ્તરે મજબૂત બનાવવાનો છે.
પશુપાલકો-ખેડૂતો સાથે સંવાદ
શિબિરના ઉદ્ઘાટન બાદ રાહુલ ગાંધી સાંજે લગભગ 3 વાગ્યે ગુજરાતની વિવિધ દૂધ સહકારી સમિતિઓ સાથે જોડાયેલા ખેડૂતો અને નેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન પશુપાલકોએ દૂધના વધારાના ભાવ ફેર લઇને કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંગે ચર્ચા કરવામાં આવશે.
સહકારી મોડલને લઈને ભાજપ પર નિશાન
ગુજરાત કોંગ્રેસે ભાજપ પર રાજ્યના સહકારી મોડલને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટી પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, એક સમયે ગુજરાતનું સહકારી મોડેલ સમગ્ર દેશ માટે એક ઉદાહરણ હતું, પરંતુ ભાજપના લાંબા શાસનકાળમાં આ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અને મિસ મેનેજમેન્ટ વધ્યું છે. રાહુલ ગાંધીનો આ સંવાદ આ જ મુદ્દા પર કેન્દ્રિત રહેશે કે કેવી રીતે આ સહકારી સંસ્થાઓમાં પારદર્શિતા લાવી શકાય અને ખેડૂતોને તેમનો યોગ્ય હક મળી શકે.
ખેડૂતોની સમસ્યાઓ અને સમાધાનની પહેલ
રાહુલ ગાંધીનો આ સંવાદ પ્રવાસ ખેડૂતોની સમસ્યાઓ સમજવા અને તેમને પાર્ટીની આગામી રણનીતિમાં સામેલ કરવાનો એક પ્રયાસ છે. દૂધ ઉત્પાદન સાથે જોડાયેલી કિંમત, ચુકવણીમાં વિલંબમાં પારદર્શિતાનો અભાવ જેવા મુદ્દાઓ ખેડૂતોને લાંબા સમયથી પરેશાન કરી રહ્યા છે. કોંગ્રેસ આ મુદ્દાઓને 2027ના ચૂંટણી એજન્ડામાં સામેલ કરીને ખેડૂતોને એક નવો અવાજ આપવા માંગે છે.
મિશન 2027 તરફ પહેલું પગલું
ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધીના આ પ્રવાસને 'મિશન 2027'ની ઔપચારિક શરૂઆત ગણવામાં રહી છે. પ્રશિક્ષણ શિબિર, સંગઠન સશક્તિકરણ અને જમીની સ્તરના મુદ્દાઓ પર સંવાદ જેવા કાર્યક્રમો દ્વારા પાર્ટી નેતૃત્વ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે માહોલ તૈયાર કરવામાં લાગી ગયું છે. રાહુલ ગાંધીની હાજરી પાર્ટી કાર્યકરોમાં જોશ ભરવાની સાથે-સાથે ખેડૂતો વચ્ચે કોંગ્રેસની સક્રિયતાનો સંકેત પણ આપે છે.
રાહુલ ગાંધીની ચાર મહિનામાં ચોથીવાર ગુજરાત મુલાકાત
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાહુલ ગાંધી 7 અને 8 માર્ચ અને ત્યારબાદ 8 અને 9 એપ્રિલે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ સિવાય અધિવેશન બાદ 16 એપ્રિલે મોડાસા ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે 1200 કાર્યકરોને સંબોધન કર્યું હતું. ત્યારબાદ હવે તેઓ 26થી 28 જુલાઈ, 2025ના રોજ ગુજરાતની મુલાકાત લેશે.