સૂર્યા મરાઠી હત્યા કેસના આરોપી રાહુલે વચગાળાના જામીનની માંગ પરત ખેંચી
રજૂ કરાયેલા નવી સિવિલના કેસ પેપર્સ બોગસ પુરવાર થતા
પત્નીની સર્જરી માટે જામીન માંગેલાઃ અગાઉ પત્નીની પ્રસૂતિ અગાઉ જામીન મેળવ્યા બાદ શરતભંગ કરી જેલમાં હાજર થયો નહોતો
સુરત,તા.19 ઓગષ્ટ 2020 બુધવાર
ચકચારી
સુર્યા મરાઠી હત્યા કેસના આરોપી રાહુલ એપાર્ટમેન્ટે વધુ એકવાર કરેલી વચગાળાની
જામીન અરજી પરત ખેંચી લીધી છે. સરકાર પક્ષ તરફથી આરોપીએ રજૂ કરેલા નવી સિવિલના કેસ
પેપર્સ શંકાસ્પદ હોવાની રજૂઆત કરી હતી. તેમજ અગાઉ જામીન શરતનો આરોપીએ ભંગ કર્યો
હોવાની એફીડેવિટ પણ રજૂ કરી હતી.
ચોકબજાર પોલીસે ચકચારી સુર્યા મરાઠી હત્યાના ગુનાઈત કારસામાં સંડોવાયેલા 7 આરોપીઓની ધરપકડ કરી તે પૈકી રાહુલ ઉર્ફે એપાર્ટમેન્ટ ભાઈદાસ પીપળેને (રે.વાજપાઈ આવાસ,ઉધના)ગયા જુન માસ દરમિયાન પત્ની કાજલની ડીલીવરીના કારણોસર 30 દિવસના વચગાળાના જામીન માંગતા હાઇકોર્ટે પાંચ દિવસના શરતી જામીન મંજુર કરી તા.2 જુલાઇએ જેલમાં હાજર થવા હુકમ કર્યો હતો. પણ જેલમાં હાજર થવાને બદલ ેઆરોપી ભાગી ગયો હતો. જેને ક્રાઇમ બ્રાંચની પેરોલ ફર્લો સ્કવોડે સ્મશાનભૂમિમાં કાકાની અંતિમક્રિયા બાદ બહારથી ઝડપી જેલભેગો કર્યો હતો.
ત્યારબાદ રાહુલ એપાર્ટમેન્ટે તાજેતરમાં પોતાની પત્નીને ડીલીવરી બાદ ગર્ભાશય તથા સ્વાદુપિંડને થયેલા ઈંફેક્શનની સર્જરી માટે વધુ એકવાર 30 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. જેના સમર્થનમાં નવી સીવીલ હોસ્પિટલના ડૉ.સરલ ભાટીયાના નામે કેસ પેપર્સ રજુ કર્યા હતા. જે અંગે સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ વેરીફિકેશન અને તપાસ અધિકારીને તબીબી અભિપ્રાય અંગે રિપોર્ટ રજુ કરવા માંગ કરી હતી. જેથી ચોકબજાર પીઆઈ ચૌધરીએ આરોપીની પત્ની તથા ભાઈ-બહેન સહિત તબીબ ડૉ.સરલ ભાટીનું નિવેદન લીધું તેમાં ડોકટરે આરોપીની પત્નીને દર્દી તરીકે તપાસી જ ન હોવાનું બહાર આવ્યું હતું. તથા નવી સીવીલ હોસ્પિટલના ગાયનેક વિભાગના રજુ થયેલા કેસ પેપર્સમાં પોતાના હસ્તાક્ષરો હોવાનો ઈન્કાર કર્યો હતો. જેથી સરકારપક્ષે તબીબી અભિપ્રાય તથા કેસ પેપર્સ શંકાસ્પદ હોઈ આરોપીની અગાઉની ગુનાઈત વર્તણુંકને ધ્યાને લઈ વચગાળાના જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો. જેથી આરોપીએ કોઈ પણ જાતના ગુણદોષમાં ઉતર્યા વિના જ પોતાની અરજી પરત ખેંચી લીધી હતી.