Get The App

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં રાહી કોટકની જામીન અરજી રદ

ભેજાબાજ ગઠિયાઓએ વેબ પર ૫૮૦ કરોડનો પ્રોફિટ બતાવ્યો હતો

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
૪૬ કરોડની છેતરપિંડી કેસમાં રાહી કોટકની જામીન અરજી રદ 1 - image


વડોદરા : વડોદરા શહેરમાં સિનિયર સિટીઝનનો વોટ્સએપ પર સંપર્ક કરી શેર બજારમાં રોકાણ કરવાથી મોટો પ્રોફિટ મળશે તેવી લાલચ આપી ગઠિયાઓએ રૃા.૪૬.૯૫ કરોડની છેતરપિંડી કરતા આ બનાવ અંગે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરે ગુનો દાખલ કરી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ત્રણ પૈકીની એક આરોપી રાહી કોટકે જામીન અરજી મુકતા ન્યાયાધીશે જામીન અરજી નાંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે,યોગેશભાઇ દેસાઇએ સીઆઇડી ક્રાઇમ (સાઇબર ક્રાઇમ)માં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ તેમનો સંપર્ક વોટ્સએપ દ્વારા કર્યો હતો.આરોપીઓએ  તેમની કંપની CITADEL LLC રજીસ્ટર બ્રોકરેજ ફર્મ હોવાનું જણાવ્યું હતું અને શેર માર્કેટમાં જો રોકાણ કરશો તો ઉંચુ વળતર મળશે તેવો ભરોસો આપ્યો હતો.

ત્યાર બાદ આરોપીઓએ વોટ્સએપના અન્ય એક ગૃપમાં ફરિયાદીને સામેલ કર્યા હતા અને ત્યાં વિવિધ શેરની ટીપ્સ આપવામાં આવતી હતી અને તે મુજબ આરોપીઓની સુચના મુજબ ફરિયાદીએ રોકાણ કર્યું હતું અને વિવિધ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. દરમિયાનમાં ફરિયાદીના વેબ એકાઉન્ટમાં રૃા.૫૮૦ કરોડ જમા થયા હોવાનું જોવા મળતું હતું. ફરિયાદીએ નાણાં વિડ્રો માટે નો પ્રયાસ કરતા આરોપીઓએ સર્વિસ ચાર્જ પેટે રૃા.૧૫ કરોડ જમા કરાવો તેમ કહ્યું હતું.

રૃા.૫૮૦ કરોડ વિડ્રો કરવા માટે ફરિયાદીએ રકમ જમા કરાવી હતી પરંતુ નાણાં વિડ્રો થઇ શક્યાં ન હતા અને આમ કુલ રૃા.૪૬.૯૫ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.આ બનાવમાં સીઆઇડી ક્રાઇમે રાહી જશુભાઇ કોટક (રહે.રાધનપુર) તેમજ ધવલ ઠક્કર અને વિપુલ પ્રજાપતિની ધરપકડ કરી હતી. ધરપરકડ બાદ હાલ જેલમાં રહેલ રાહીએ જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ દલીલો કરી હતી. ન્યાયાધીશે અરજદાર રાહી કોટકની જામીન અરજી રદ કરી હતી.

ક્રિકેટ સટ્ટાના સટ્ટા માટે  દુબઇમાં સાહીલ સાથે સંપર્ક થયો હતો

રૃા. ૪૬ કરોડની છેતરપિંડી કેસમાં રાહી સહિત ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા ખુલવા પામ્યું હતું કે, અગાઉ સટ્ટાના કામ માટે દુબઇ જતા તે સમયે તે સુંદર નામના શખ્સ મારફતે સાહીલ નામના શખ્સના સંપર્કમાં આવેલ.  ક્રિકેટ સટ્ટાનો જે ડેટા હતો તેના આધારે રોજ ૫૦ લોકોને રેન્ડમલી મેસેજ કરવામાં આવતો હતો. તપાસમાં રાહીએ કમિશન પેટે રૃા.૧૧.૫૦ લાખ લીધી હોવાનું તેમજ તેણે બેંક એકાઉન્ટનું એક્સેસ અન્ય આરોપીઓ સાથે મળીને સાહીલને આપ્યું હતું. તપાસમાં સાહીલ દુબઇથી છેતરપિંડી અને ગેમીંગના નાણાં સેટલ કરતો હોવાનું પણ ખુલવા પામ્યું છે.

Tags :