Get The App

સોશિયલ મીડિયા પર સેક્સ રેકેટની જાહેરાતોઃ હાઈટેક પોલીસ અંધારામાં

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
સોશિયલ મીડિયા પર સેક્સ રેકેટની જાહેરાતોઃ હાઈટેક પોલીસ અંધારામાં 1 - image

- સાયબર લેબને તપાસ સોંપાઈઃ ઘોડા નાસી ગયા પછી..!

- પોસ્ટમાં હજ્જારો વ્યૂઝ અને કોમેન્ટ્સ, ખરેખર પોસ્ટ મુજબ સેક્સ રેકેટ ચલાવાય છે કે પછી વ્યૂઝ મેળવવાનો કારસો તે અંગે તપાસ

- નારી સન્માનનું ખુલ્લેઆમ ચિરહરણઃ 'ફોટાવાળી યુવતી અવેલેબલ છ'ે! ખુલ્લેઆમ રેટ પણ જણાવી વિસ્તારનોય ઉલ્લેખ

રાજકોટ: સોશિયલ મીડિયા પર તરેહ-તરેહની અને ચિત્ર-વિચિત્ર પોસ્ટ થાય છે. છેલ્લા કેટલાક સમયથી સેક્સ રેકેટની પોસ્ટની ભરમારથી ચર્ચા જાગી છે. આશ્ચર્યની વાત એ છે કે સોશિયલ મીડિયા ઉપર હંમેશા પોતાની નજર છે તેવા દાવા કરનાર સાયબર ક્રાઈમ પોલીસ  ઉંઘતી ઝડપાઈ છે. તેના સ્ટાફને આ પ્રકારની પોસ્ટ અંગે કોઈ જાણ જ નથી. 

ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ ઉપર છેલ્લા કેટલાક સમયથી સેકસ રેકેટની જાહેરાતો શરૂ થઈ છે. અમુક ચોકકસ આઈડી પરથી થતી પોસ્ટમાં કોઈ યુવતીનો ફોટો મૂકી તે અવેલેબલ છે તેવું લખાયેલું જોવા મળે છે. અમુક પોસ્ટમાં ડેટીંગની વાત હોય છે, જેમાં મીટિંગ પછી કેશ પેમેન્ટ લેવામાં આવશે તેવું લખાયેલું હોય છે. અમુક પોસ્ટમાં તો વિસ્તારના નામ અને ભાવ પણ લખવામાં આવે છે. અમુક પોસ્ટમાં સભ્ય સમાજનું માથું ઝુકી જાય તેવી ગંદી વાતો પણ લખાયેલી જોવા મળે છે, જેની ઉપર હજ્જારો વ્યુઝ અને કોમેન્ટસ પણ જોવા મળે છે.  કોમેન્ટસમાં પણ ગંદી-ગંદી વાતો લખેલી જોવા મળે છે. 

- અમદાવાદ સહિતનાં શહેરોને લગતી પણ વાંધાજનક પોસ્ટ્સ

એકલા રાજકોટ જ નહીં બલ્કે અમદાવાદ સહિતનાં શહેરો માટે પણ આ પ્રકારની પોસ્ટ જોવા મળે છે. આ સંજોગોમાં આ પ્રકારની પોસ્ટ ખરેખર વ્યુઝ મેળવવા માટે મૂકવામાં આવે છે કે પછી તેમાં જણાવ્યા મુજબ સેકસ રેકેટ ચાલે છે તે પોલીસ તપાસનો વિષય છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ અને વીડિયોથી સુસંસ્કૃત લોકોના ભવા તણાયા છે. 

સોશ્યલ મીડિયા પર વોચ હોવાના પોલીસના દાવા પર જ સવાલ

સોશિયલ મીડિયા પર લોકોની લાગણી દુભાય તે પ્રકારની, નિયમો વિરૂધ્ધ અને ગેરકાયદે પોસ્ટ ધ્યાને આવે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે. તે વખતે પોલીસ યુઝર્સને આ પ્રકારની પોસ્ટથી બચવાની સલાહ આપી પોતાની નજર સોશિયલ મીડિયા પર હંમેશા છે તેવા દાવા પણ કરતી હોય છે, જે હવે સવાલોના ઘેરાવામાં આવી ગયા છે. કારણ કે આ પ્રકારની પોસ્ટ અંગે પોલીસને કોઈ જાણ જ નથી.  

ઈન્સ્ટાગ્રામ સહિતનાં પ્લેટફોર્મ પાસેથી ચોક્કસ યુઝર્સનાં નામો મેળવી કાર્યવાહી કરાશે

'જે ચોક્કસ આઈડી પરથી આ પ્રકારની પોસ્ટ અને વીડિયો મુકવામાં આવે છે તે અંગે સાયબર લેબને તપાસ સોંપવામાં આવી છે. આ માટે ઈન્સ્ટાગ્રામ સહિતનાં પ્લેટફોર્મ પાસેથી જે આઈડી પરથી આ પ્રકારની પોસ્ટ અને વીડિયો મુકાય છે તેના યુઝર્સના નામો મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.' - ભરત બસીયા (ઈન્ચાર્જ એસીપી, સાયબર ક્રાઈમ પોલીસ)