Gujarat

ધાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાને એક જ રાતમાં 13 લોકોને બચકાં ભર્યા, 3 વર્ષની બાળકીની હાલત ગંભીર

By GS TEAM
3 Dec 20252 mins read
TukuTouch Logo
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુંવારલા ગામમાં મંગળવારની રાત્રે એક હડકાયા કુતરાએ ભારે આતંક મચાવ્યો હતો. આ હડકાયા શ્વાને ગામને બાનમાં લીધું હોય તેમ એક જ રાતમાં ગામના અલગ-અલગ વિસ્તારોમાં 13 જેટલા લોકોને બચકાં ભરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભય અને દહેશતનો માહોલ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાને એક જ રાતમાં 13 લોકોને બચકાં ભર્યા, 3 વર્ષની બાળકીની હાલત ગંભીર
AI IMAGE

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુંવારલા ગામમાં મંગળવારની રાત્રે એક હડકાયા કુતરાએ ભારે આતંક મચાવ્યો હતો. આ હડકાયા શ્વાને ગામને બાનમાં લીધું હોય તેમ એક જ રાતમાં ગામના અલગ-અલગ વિસ્તારોમાં 13 જેટલા લોકોને બચકાં ભરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભય અને દહેશતનો માહોલ ફેલાયો છે.

ગ્રામલોકોના જણાવ્યા અનુસાર ગામની સીમ અને રહેણાંક વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસથી હડકાયા કુતરાનું આવાગમન વધ્યું હતું. મંગળવારની રાત્રે આ કુતરાએ આતંક મચાવતા વૃદ્ધો, યુવાનો અને બાળકો સહિત કુલ 13 લોકોને શિકાર બનાવ્યા હતા.

ડૉગ બાઈટનો ભોગ બનેલા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે 108 ઈમરજન્સી સેવા મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનારાઓમાં એક માત્ર 3 વર્ષની નાની બાળકીની હાલત અત્યંત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવી છે.

આ ઘટના બાદ કુંવારલા ગામના લોકોમાં ભારે ફફડાટ છે. રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે, અને મહિલાઓ તથા બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. સરપંચ ભૂરીબેને જણાવ્યું હતું કે રાતના સમયે 15 જેટલા લોકોને કુતરાએ કરડ્યું હતું. ગામલોકોએ વેટરનરી વિભાગ, ગ્રામ પંચાયત અને તંત્ર પાસે માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ હડકાયા કુતરાને પકડીને ગામને સુરક્ષિત બનાવવામાં આવે. લોકોનો આક્ષેપ છે કે તંત્ર હાલ નિદ્રાધીન અવસ્થામાં છે.

ઈજાગ્રસ્તોની યાદી

ઘટનામાં ભોગ બનેલા લોકોમાં 1. મેધાપાલ મકનલાલ રણછોડલાલ, 2. હકીકત કૃષ્ણલાલ ગુણમાલાલ, 3. લુહાર શામાલાલ મકનલાલ, 4. લુહાર કિશનલાલ નારણલાલ, 5. ઠાકોર મંગાલાલ શામાલાલ, 6. ઠાકોર યશલાલ માનાલાલ, 7. ઠાકોર દુષ્યંંતલાલ કાંપાલાલ, 8. પુખરાજ કાનારામ કાનારામ, 9. લુકાર રંજીતલાલ શામાલાલ, 10. ઠાકોર રમેશલાલ ઉપલાલાલ, 11. મનિયાળ શિતલબેન ભયાલાલ, 12. ભારત અમરદાસ અમરદાસ, 13. ઠાકોર કવેશલાલ પુતલાલાલ સહિતના ગ્રામજનોનો સમાવેશ થાય છે.