નદીના પટમાંથી હત્યા કરી દોરડાથી બાંધી કોથળામાં પેક કરેલી યુવકની લાશ મળી
ઇન્દીરા બ્રિજ નીચે ક્રૂરતા પૂર્વક યુવકનું ખૂન કરીને પુરાવાનો નાશ કરવા લાશ ફેંકી દીધી
ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસે અજાણી વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધી લાશને પીએમ માટે મોકલી
અમદાવાદ, શનિવાર
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા એટલી હદે કથળી રહી છે કે લોકો સામાન્ય તકરારમાં હત્યા કરતા પણ અચકાતા નથી. ઇન્દીર બ્રિજનીચે નદીના પટમાં આજે એક યુવકની હત્યા કરીને દોરડાથી બાંધીને કોથળામાં પેક કરેલી લાશ મળી હતી. આ બનાવનો વિડિયો વાયરલ થતાં ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસે અજાણી વ્યક્તિ સામે અજાણ્યા યુવકની હત્યાનો ગુનો નોંધીને લાશને પીએમ માટે મોકલીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસે અજાણી વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધી લાશને પીએમ માટે મોકલી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ
એરપોર્ટ વિસ્તારમાં ઇન્દીરા બ્રિજ પાસે નદીના પટમાં ૪૦ વર્ષના અજાણ્યા યુવકની કોઇક કારણસર હત્યા કરીને લાશને દોરડાથી બાંધીને પ્લાસ્ટીકના કોથળમાં પેક કરીને નાંખી દીધી હતી. આ બનાવનો વિડિયો વાયરલ થતાં પોલીસે દોડતી થઇ હતી. આ બનાવ અંગે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ પીઆઇ, ટી.આર.ગઢવીના જણાવ્યા મુજબ આજે સાંજે કન્ટ્રોલ મેસેજ આધારે ખબર પડતાં સ્થળ ઉપર જઇને તપાસ કરતાં કોથળમાં પેક કરેલી ૪૦ વર્ષના અજાણ્યા યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી.
પોલીસે હત્યાનો ગુનો નોંધીને લાશને પીએમ માટે મોકલી આપી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ચારેક દિવસ પહેલા લાશ ફેંકી હોવાનું હાલ જાણવા મળ્યું છે. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે. હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા લાશને કોથળામાં પેક કરીને નદીના પટમાં ફેંકી હતી.