એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષાની ગુપ્તતા પર સવાલો, ઝેરોક્ષ સેન્ટર પર પરીક્ષાના પેપરની ફોટોકોપી કઢાવાય છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલી રહેલી ઈન્ટરનલ પરીક્ષા વચ્ચે પરીક્ષાની ગુપ્તતા પર સવાલો ઉઠયા છે. વિદ્યાર્થીઓ જે સેન્ટર પર ફોટોકોપી કઢાવે છે તે જ સેન્ટર પર અધ્યાપકો પરીક્ષાના પેપરોની ફોટોકોપી કઢાવે છે અને તે જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોવાની જાણકારી સામે આવી છે.
સૂત્રોનું કહેવું છે કે, કોમર્સ જેવી મોટી ફેકલ્ટી ઈન્ટરનલ પરીક્ષાના પેપરો પ્રિન્ટ કરવા યુનિવર્સિટીના પોતાના પ્રેસનો ઉપયોગ કરે છે ત્યારે આર્ટસ ફેકલ્ટીએ પણ પેપરો છાપવા માટે યુનિવર્સિટી પ્રેસના વિકલ્પ પર વિચારણા કરવાની જરૂર છે.
અત્યારે પરીક્ષા પહેલા જે અધ્યાપકે પેપર સેટ કર્યું હોય તે અધ્યાપક ફોટોકોપી સેન્ટર પર જેટલા વિદ્યાર્થીઓ હોય તેટલી ફોટોકોપી કરવા માટે કહે છે અને અધ્યાપક આ પેપરો લઈને જે તે વિભાગમાં જમા કરાવે છે.આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કોણ કહે છે તે કહેવું પણ મુશ્કેલ છે.કેટલાક સિનિયર અધ્યાપકોનું કહેવું છે કે, ફેકલ્ટીએ પોતાનું ફોટોકોપી મશિન વસાવવું જોઈએ.જેથી પેપર લીક થવાની શક્યતા ના રહે.
21 વિભાગો હોવાથી પેપરો પ્રેસમાં છપાવવાનું મુશ્કેલ
ફેકલ્ટી ડીન પ્રો.કલ્પના ગવલીનું કહેવું છે કે, આર્ટસ ફેકલ્ટીમાં 21 વિભાગો છે અને દરેક વિભાગના પેપર અને પેપર આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ અલગ અલગ હોય છે.જેના કારણે યુનિવર્સિટી પ્રેસમાં પેપરો પ્રિન્ટ કરાવવાનું મુશ્કેલ બને છે.ફેકલ્ટીમાં ઈન્ટરનલ પરીક્ષાના પેપરની ફોટોકોપી સેન્ટર પર નકલો કઢાવવાની પ્રથા પહેલેથી જ છે અને આજ સુધી કોઈ પેપર લીક થયું નથી.જોકે યુનિવર્સિટીની મદદ મળે તો યુનિવર્સિટી પ્રેસમાં પેપર પ્રિન્ટ કરાવવા પર વિચારણા થઈ શકે છે.
પેપરો ક્યાં છપાવવા તે ફેકલ્ટી પર આધાર રાખે છે
યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, દરેક ફેકલ્ટી પાસે પેપરો છપાવવા માટે પોતાની વ્યવસ્થા છે. પરીક્ષાની ગુપ્તતા જળવાઈ રહે તે માટે ફેકલ્ટીઓએ પોતાની રીતે પેપર પ્રિન્ટ કરાવવા માટે પણ નક્કી કરેલા પ્રોટોકોલનું પાલન કરવાનું રહેતું હોય છે. સામાન્ય રીતે નાની ફેકલ્ટીઓ પોતાની જાતે પેપર પ્રિન્ટ કરે છે.
ઈન્ટરનલ પરીક્ષાનું પેપર પ્રેસમાં છપાવવું ફરજિયાત નથી
યુનિવર્સિટી પ્રેસના સૂત્રોએ કહ્યું હતું કે, ઈન્ટરનલ પરીક્ષાના પેપર પ્રેસમાં જ પ્રિન્ટ કરાવવા ફરજિયાત નથી પણ એન્ડ સેમેસ્ટર પરીક્ષાના પેપર તમામ ફેકલ્ટીઓએ યુનિવર્સિટી પ્રેસમાં જ પ્રિન્ટ કરાવવાના રહે છે. બીજી તરફ એક ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, ઈન્ટરનલ હોય કે એન્ડ સેમેસ્ટર પરીક્ષા પણ પેપરો તો પ્રેસમાં જ પ્રિન્ટ થવા જોઈએ. એમ પણ હવે ઈન્ટરનલ પરીક્ષા પણ 50 માર્કસની થઈ ગઈ છે.








