Gujarat

સોમવારથી GSTમાં ઘટાડાનો લાભ લોકોને મળવા સામે પ્રશ્નાર્થો

By GS TEAM
20 Sep 20252 mins read
સોમવારથી GSTમાં ઘટાડાનો લાભ લોકોને મળવા સામે પ્રશ્નાર્થો

જૂની-નવી બન્ને કિંમત છાપવાનો પરિપત્ર 9 દિવસમાં ફેરવી નંખાયો : એન્ટી પ્રોફીટીયરીંગ હેઠળ પગલાં લેવા GST ચેકિંગ ઝુંબેશની જરૂર : તોલમાપ ખાતા પાસે સત્તા જ નહીવત્ 

રાજકોટ, : લોકોને જીવનજરૂરી અસંખ્ય વસ્તુઓ ઉપરના GSTમાં થયેલા ઘટાડાનો સોમવાર તા. 22 પ્રથમ નોરતાથી અમલ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ સરકારે વેપારીઓને દરેક વસ્તુના પેકિંગ ઉપર જુની (વધારે ટેક્સ સાથેની) કિંમત છાપવાની માર્ચ-2026  સુધી મંજુરી આપી દેતા લોકો પાસે માહિતીના અભાવનો ગેરફાયદો ઉઠાવીને નફાખોરીને પ્રોત્સાહન મળવાની ભીતિ સર્જાઈ છે. આ સામે હેલમેટ ઝુંબેશ જેવી કોઈ ઝુંબેશ સરકારી તંત્રોના સંકલનથી યોજવાનો કોઈ ઈરાદો કે આયોજન જારી કરાયા નથી ત્યારે ગ્રાહકોને આ ભાવ ઘટાડાનો લાભ મળવા સામે સવાલો સર્જાયા છે. 

GST કાઉન્સિલના ટેક્સ ઘટાડાના નિર્ણય બાદ તા. 9-9-2025ના ગ્રાહક સંબંધી કેન્દ્રીય મંત્રાલય દ્વારા એક પરિપત્ર જારી કરીને વેપારીઓ-ઉત્પાદકો-પેકર્સને જુની કિંમત યથાવત્ રાખીને તેની બાજુમાં કર ઘટાડા પછીની નવી કિંમત છાપવા ફરજિયાત બનાવાયું હતું. 

પરંતુ, માત્ર 9 દિવસમાં જ તા. 18-9-2025ના કન્ઝ્યુમર્સ અફેર્સ મંત્રાલયે ઉપરોક્ત પરિપત્રને રદ કરીને જુની કિંમત સાથેના રેપર,પેકેજને તા. 31 માર્ચ 2026 સુધી તે તે પહેલા ખાલી થાય ત્યાં સુધી ચાલુ રાખવાની છૂટ આપી દીધી છે. પરંતુ, ઉત્પાદકો,પેકર્સ વગેરેની મુનસફી ઉપર રિવાઈઝ્ડ વેચાણ કિંમત છાપવા છોડયું છે. આમ, ભાવ કેટલા ઘટયા તેની જવાબદારી વેપારીઓ ઉપર છોડીને એમઆરપીના સ્ટીકર મારવાની ફરજીયાત સૂચનાથી મુક્તિ અપાઈ છે. જેથી હવે ઉત્પાદકો,વેપારીઓએ વિવિધ માધ્યમોથી ગ્રાહકોને જાણ કરવાની રહે છે.  આમ, લીગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ હેઠળનો સર્ક્યુલર રદ થતા તોલમાપ વિભાગ પાસે ખાસ સત્તા રહેતી નથી પરંતુ, એન્ટી પ્રોફીટીયરીંગ એક્ટ હેઠળ જી.એસ.ટી.આ સામે પગલા લઈ શકે છે. કેટલા અસરકારક પગલા જનહિતમાં લેવાશે તેના પર કરઘટાડાનો લાભ લોકોને મળશે કે કેમ તેનો મદાર છે.