માધવપુર મેળામાં કરોડોના ખર્ચ સામે સવાલ : તપાસની માગણી
વિવિધ વિભાગો પાસેથી માહિતી માંગવામાં આવેલી તેમાંથી માત્ર એક જ વિભાગ પાસેથી માહિતી મળી : રાષ્ટ્રીય કક્ષાનો મેળો ફરી એક વાર ચર્ચાનાં ચકડોળે : પ્રજાના પૈસાના વેડફાટ અને રાજકીય વગદારોને ટેન્ડર જેવા આક્ષેપ સાથે ઊચ્ચ સ્તરે ફરિયાદઃ એકજ વિભાગ દ્વારા 5 કરોડનો ખર્ચ
પોરબંદર, : માધવપુરનો રાષ્ટ્રીયકક્ષાનો મેળો ફરી ચર્ચાનાં ચકડોળે ચડયો છે અને રાઈટ ટુ ઈન્ફોર્મેશનની જોગવાઈ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં એકજ વિભાગ દ્વારા પાંચ કરોડનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યુ છે. હજુ અન્ય અનેક વિભાગની આર.ટી.આઇ.ની વિગત તો જાહેર જ થઇ નથી. આ વર્ષે માધવપુર મુકામે તા. 6થી તા. 10 એપ્રિલ સુધી યોજાયેલા લોકમેળામાં પ્રજાના ટેકસમાંથી આવેલા કરોડો રૂપિયાનો વેડફાટ કરવામાં આવ્યો છે તેમજ વાહન તથા ભોજન ખર્ચના કરોડો રૂપિયાના ટેન્ડર લાગતા-વળગતા રાજકીય ઓથ ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવ્યા હતા, જેમાં ભોજન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો એવા આક્ષેપ સાથે પોરબંદરના આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ ઓડેદરાએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને લેખિત ફરિયાદ કરી છે. ખર્ચની વિગતોના ઓડીટ બાદ ચુકવણુ કરવુ જોઇએ પરંતુ હાલમાં કોઇ ફરિયાદ થાય તે પહેલા મોટા ભાગના ચુકવણા કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હોવાનું તેમનું કહેવું છે. વિવિધ વિભાગો પાસેથી માહિતી માંગવામાં આવેલી તેમાંથી માત્ર એકજ વિભાગ પાસેથી માહિતી મળી છે. તેમાં અંદાજે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ છે. તેમાં પણ કલાકારોના એક દિવસના 6 લાખ ચુકવવામાં આવેલ છે. આ બાબતે પ્રવાસન નિગમ (ઇવેન્ટ)શાખા, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના જવાબદારો સામે કાર્યવાહી થવી જોઇએ.
ભોજનખર્ચ, લોકમંડળી, વાહનવ્યવસ્થા, રાસમંડળોના ખર્ચ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) પંચાયત દ્વારા પણ કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવેલ હોય તેની માહિતી આપવામાં આવી નથી. મોટાડોમનો કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ આપવામાં આવેલો તેની અને સાઉન્ડ સીસ્ટમના ખર્ચની માહિતી પણ આપેલ નથી તેમ જણાવી તમામ ખર્ચની ચકાસણીની માંગણી કરવામાં આવી છે.
ખર્ચના આંકડા આંખે અંધારાં આવી જાય તેવા !
વાહનવ્યવહારની વ્યવસ્થા બદલ 1 કરોડ 45 લાખ રૂપિયા અને કોરીયોગ્રાફીના 18 લાખ રૂપિયા ચુકવવાના બાકી છે. જુદા-જુદા સમાજની વાડીઓમાં કલાકારોને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી તેના પણ લાખો રૂપિયાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. રાસમંડળીઓ અને સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરનાર ટીમને 3થી 6 લાખ રૂપિયા ચુકવવાના થાય છે તેમ જાહેર કર્યુ છે.