યુનિ.ના કોમ્પ્યુટર સેન્ટરના ભાવિ સામે પ્રશ્નાર્થ, કર્મચારીઓના પગારના ફાંફા પડશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોમ્પ્યુટર સેન્ટર માટે આગામી પાંચ વર્ષની ૨.૮ કરોડ રુપિયાની ગ્રાંટ મંજૂરી કરવામાં થઈ રહેલા અખાડાના કારણે કોમ્પ્યુટર સેન્ટરના ભાવિ સામે જ સવાલો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે, આ જ મુદ્દે સેન્ટરના ડાયરેકટર અને ડેપ્યુટી ડાયરેકટરે રાજીનામુ ધરી દીધું છે.એવી પણ ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે કે, સેન્ટરને આગામી પાંચ વર્ષ માટેની ગ્રાંટનો પ્રસ્તાવ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંજૂર પણ કરી દીધો છે.આમ છતા ચાર મહિનાથી તેને સત્તાધીશો લીલી ઝંડી આપી રહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરમાં પ્રોગ્રામર સહિત ૧૬ જેટલા કર્મચારીઓ છે.યુનિવર્સિટીની ઈન્ટિગ્રેટેડ ઈન્ફોર્મેશન સિસ્ટમ સેન્ટર દ્વારા ડેવલપ કરવામાં આવી છે.જેમાં વિદ્યાર્થીઓના ઓનલાઈન એડમિશન અને તેમની સ્ટુડન્ટ સાયકલનો પણ સમાવેશ થાય છે.આ સિસ્ટમને મેન્ટેન કરવા માટે કર્મચારીઓ જરુરી છે.આ ઉપરાંત સિસ્ટમમાં ઘણા સુધારા વધારા પણ કરવાની જરુરિયાત ઉભી થઈ શકે છે.
જોકે સત્તાધીશોએ નવી ગ્રાંટ મંજૂર નહીં કરી હોવાના કારણે હવે સેન્ટરના કર્મચારીઓના પગાર કરવાના આગામી મહિનાથી ફાંફા પડે તેવી શક્યતા છે.ગ્રાંટ મંજૂર નહીં થાય તો ભવિષ્યમાં સેન્ટરને તાળા પણ વાગી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.દરમિયાન ડાયરેકટર અને ડેપ્યુટરી ડાયરેકટરનું રાજીનામુ પણ સત્તાધીશો મંજૂર કરી રહ્યા નથી.