હાથીખાનામાં પાણીના ફુગ્ગા ફેંકવાના મુદ્દે ઝઘડો
૧૭ વર્ષના કિશોર પર ચપ્પુથી હુમલો કરી આરોપી ફરાર
વડોદરા,હાથીખાનામાં પાણી ભરેલા ફુગ્ગા ફેેકવા બાબતે તકરાર થતા ૧૭ વર્ષના કિશોર પર ચપ્પુથી હુમલો કરી ધમકી આપનાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
હાથીખાના વિસ્તારમાં રહેતી મહિલાએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારો ૧૭ વર્ષનો દીકરો ગઇકાલે સાંજે સાડા પાંચ વાગ્યે ટયુશન જવા માટે નીકળ્યો હતો. તે સમયે યસાર એપાર્ટેમેન્ટમાંથી કોઇએ પાણી ભરેલા ફૂગ્ગા મારા દીકરા પર ફેંક્યા હતા. કોણ ફુગ્ગા ફેંકે છે તેવું મારો દીકરો મોટેથી બોલતા એપાર્ટમેન્ટમાંથી સાજીદ આવ્યો હતો અને તું કોને બોલેે છે ? તેવું કહી ઝપાઝપી કરી ભાગી ગયો હતો. ત્યારબાદ મારો દીકરો ઘરની બહાર બેઠો હતો. તે સમયે સાજીદે આવીને ફરીથી ગાળો બોલી ચપ્પુ લઇને ઝઘડો કરી મારવા દોડયો હતો. ડાબા હાથની કોણી પાસે ચપ્પુ વાગી ગયું હતું. દરમિયાન અન્ય લોકો દોડી આવ્યા હતા. હુમલાખોર મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયો હતો.