જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો : સાસુ-વહુ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા : પોલીસ ફરિયાદ
Jamnagar Crime : જામનગરમાં મીરા દાતાર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો, અને પાણીની ડોલને લાત મારવા જેવી સામાન્ય બાબતની તકરારમાં ઝઘડો થયા પછી સાસુ વહુ પર તેના પાડોશમાં રહેતા ચાર શખ્સોએ હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મીરા દાતારની દરગાહ પાસે રહેતી નાજીયાબેન ઇમરાન ભાઈ બ્લોચ નામની 38 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના સાસુ ઉપર લાકડાના ધોકા વડે આડેધડ હુમલો કરી દઈ ઇજા પહોંચાડવા અંગે પોતાના પાડોશમાં રહેતા ઝાકીર મોહમ્મદ મકરાણી, અલ્ફાજ ઝાકીર મકરાણી, અફજલ જાકીર મકરાણી, અને આસિફ મોહમ્મદ મકરાણી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સાસુ વહુ કપડા ધોઈ રહ્યા હતા, ત્યારે તેની પાણીની ડોલને લાત મારવા બાબતે આરોપીઓ સાથે ઝઘડો થતાં આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે સીટી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.