વડોદરાના કેલનપુર ગામે અજગરે બતકનો શિકાર કર્યો: આખરે રેસ્ક્યુ કરાયું
Vadodara : વડોદરાના કેલનપુર ગામે બતકનો શિકાર કરી અજગર પાંજરામાં બેસી ગયો હોવાનો કિસ્સો બન્યો હતો. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને કેલનપુર પાસે આવેલા હેતમપુરા ગામથી પ્રતાપસિંહ વાઘેલાનો ફોન આવ્યો હતો કે, ગામ પાસે આંબાવાડીમાં એક અજગર બતકના પિંજરામાં આવી ગયો છે અને બતકને ગળી ગયો છે.
ફોન આવતાની સાથે સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપુત અને કાર્યકરો જીતેન્દ્ર તડવી, સુરેશ રાઠોડ, અમિત વસાવા, વિશાલ રાઠોડ અને વડોદરા વન વિભાગના અધિકારીને લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં આઠ ફૂટનો મોટો અજગર બતકને ગળીને રૂમમાં બેઠો હતો. અજગરને એક કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગના ખાતે લઈ જવામાં આવ્યો હતો.