Gujarat

તારા લીધે મારો ભાઇ મરી ગયો કહી પતિનો ચાકુથી પત્ની પર ખૂની હુમલો

By GS TEAM
4 Nov 20252 mins read
તારા લીધે મારો ભાઇ મરી ગયો કહી પતિનો ચાકુથી પત્ની પર ખૂની હુમલો

અમદાવાદ,બુધવાર

નિકોલમાં મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દિયરે કોઇક કારણસર આપઘાત કરતા સાસરીયાએ તારા લીધે મરી ગયો હોવાનો આક્ષેપ કરીને મહિલાને માર મારી કાઢી મૂકી હતી. બીજીતરફ ભાઈના મોતનો બદલો લેવાના આશયથી પતિએ વાળ પકડી પત્નીને નીચે પાડી ઢસડીને ગળા સહિત શરીરે આડેધડ ચાકુના ઘા મારીને ખૂની હુમલો કર્યો હતો.

નિકાલમાં પતિએ નીચે પાડી વાળ પકડી ઢસડીને પત્નીને આડેધડ ચાકુના ઘા મારી ધમકી આપી

નિકોલમાં પિયરમાં રહેતા ચન્દ્રીકાબહેને નિકોલ પોલીસ સ્ટેશનમાં કૃષ્ણનગરમાં રહેતા પતિ તથા સાસુ સામે ફરિયાદ નોંધાવી છે કે સાસુ ટુરનું કામ કરતા હોવાથી પતિ અવાર નવાર તેમના ઘરે આવતા હતા. જેથી બન્ને વચ્ચે વાતો થતા પ્રેમસબંધ બંધાતા દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા.

 લગ્નના એક વર્ષ પછી પતિ અને સાસુએ નાની-નાની વાતમાં તકરાર કરીને મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા. બીજીતરફ મહિલાના  દિયરે અગમ્ય કારણોસર ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જેથી તારી મેલી વિદ્યાના કારણે મારા દિકરાએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરીને પાંચ મહિના પહેલા મારઝૂડ કરીને મહિલાને કાઢી મૂકી હતી. બીજીતરફ ગઇકાલે સાંજે ફરિયાદી મહિલા બજારમાંથી પરત આવતી હતી. ત્યારે નિકોલ ખોડિયારનગર પાસે આરોપી પતિ મળ્યો અને તારા લીધે જ મારા ભાઈએ આપઘાત કર્યો કહીને કહીને વાળ પકડીને નીચે પાડીને ઢસડીને પતિએ ઉપરા છાપરી ગળા સહિત શરીરના ભાગે ચાકુના આઠ ઘા મારીને લોહીલુહાણ કરી હતી. આજે તું બચી ગઇ આવતી કાલે જીવતી મૂકીશ નહી કહીને પતિ નાસી ગયો હતો. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ,વી.એસ.વાઘેલાએ જણાવ્યું કે હત્યાની કોશિષનો ગુનો નોંધીને પતિની ધરપકડ કરી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.