ન્યાય ના મળતા ભાઇ-બહેનનો દવા પી આપઘાતનો પ્રયાસ

અમદાવાદ, બુધવાર
ગોમતીપુરમાં કચરો નાખવા બાબતે પડોશોઓ વચ્ચે સામ સામે મારા મારી થઇ હતી. જેમાં પોલીસે એકપક્ષે ગુનો નોંધીને યુવકની ધરપકડ કરીને જેલના હવાલે કર્યો હતો. એક પક્ષે જ કાર્યવાહી કરાયાના આક્રોશ વચ્ચે ન્યાય ન મળ્યો હોવાના પોલીસ સામે આક્ષેપ કરીને પિડીત પરિવારની યુવતીએ વિડિયો બનાવ્યો હતો. જેની ધરપકડ થઈ તે યુવકના ભાઇ-બહેને દવા પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ પોલીસે સામે પક્ષે પણ ગુનો નોંધ્યો છે.
કચરો નાંખવાની તકરારમાં રજુઆત કરવા છતાં પડોશી સામે કોઇ કાર્યવાહી ન કરી, દવા પીધા પછી ગુનો નોંધ્યો
ગોમતીપુરમાં રહેતા મહેબુબભાઇ અને પડોશમાં રહેતા શહેજાન ભાઇના પરિવારજનો વચ્ચે કચરો નાંખવા બાબતે તા. ૨૯ના રોજ મારા મારી થઇ હતી. આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં શેહજાન શેખે પડોશમાં રહેતા મહેબુબભાઇના પરિવારના ચાર લોકો સામે ફરિયાદ નોંધી હતી જેમાં કચરો નાંખવા બાબતે મારા મારીમાં ફરિયાદીના પરિવારજનો ઉપર બેલ્ટથી માર મારીને છરીથી હુમલો કરાયો હતો.
આ કેસમાં પોલીસે ગઇકાલે મહેબૂબખાભાઇના પુત્રની ધરપકડ કરીને કોર્ટના આદેશ મુજબ જેલના હવાલે કર્યો હતો. જેને લઇને પિડીત પરિવારે પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરીને પોલીસને ફરિયાદ માટે રજૂઆત કરી હતી કે તેમના પરિવારજનો ઉપર પણ હુમલો કર્યો હતો તેમ છતાં આરોપીઓ સામે કોઇ કાર્યવાહી નહી કરી હોવાનો આક્ષેપ કરીને વિડિયો બનાવીને ધરપકડ કરાયેલા યુવકના ભાઇ અને બહેને દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યા બાદ પોલીસે સામે સામે પક્ષે પરિવારના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે એસીપી કુનાલ દેસાઇના જણાવ્યા મુજબ પિડીત પરિવારજનો ક્યારેય પોલીસ સ્ટેશને આવ્યા ન હતા પોલીસે ઘરે તપાસ કરી ત્યારે ઘર બંધ હતું અને મોબાઇલ પણ બંધ કરેલા હતા.








