ટ્રેનમાં મહિલાના પર્સની ચોરી કરનારને પ્રવાસીઓએ ઝડપ્યો
પ્રવાસીના સ્વાંગમાં બેઠેલા બે ગઠિયા પૈકી એક ચોરીનો સામાન લઇ ફરાર
વડોદરા, તા.31 મૈસુર સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનના કોચમાં એક મહિલાના સોનાના દાગીના તેમજ રોકડ સહિતની મત્તા મૂકેલ પર્સની શિફ્તપૂર્વક પેસેન્જરના સ્વાંગમાં બેસેલા બે પ્રવાસીએ ચોરી કરી હતી પરંતુ પેસેન્જરોની નજરમાંથી બચી નહી શકતા આખરે એકને ઝડપી પાડયો હતો જ્યારે બીજો ફરાર થઇ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ કલ્પનાબેન એગેનારાયણ માલુ (રહે.હાચોલા, તા.મંડલગઢ, ભીલવાડા, રાજસ્થાન) માતા અને પુત્રી સાથે મૈસુર સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી પોતાના વતન કર્ણાટકના બૈલગાવ જવા માટે નીકળ્યા હતાં. રાત્રિ મુસાફરી હોવાથી કથ્થઇ રંગનું પર્સ માથા નીચે મૂકી ઊંઘી ગયેલ અને સવારે ઊંઘમાંથી જાગી જોતા પર્સની ચેન ખુલ્લી હતી અને અંદરથી સોનાના દાગીના, મોબાઇલ તેમજ રોકડ મળી કુલ રૃા.૭૦ હજારની મત્તા ગુમ હતી.
ચોરીની આ ઘટનાની જાણ થતાં જ સામેની સીટ પર બેસેલ બે શખ્સોએ ચોરી કરી હોવાની આશંકા સાથે તેઓ ભાગવા જતા હતા ત્યારે કોચમાં જ અન્ય પ્રવાસીઓની મદદથી એક પર્સ ઉઠાવગીરને ઝડપી પાડયો હતો. પ્રવાસીઓએ આરપીએફને ચોરને સોંપ્યા બાદ વડોદરા રેલવે પોલીસને સોંપી દીધો હતો. ઝડપાયેલા શખ્સનું નામ મહંમદ શફીક રીયાઝ એહમદ અંસારી (રહે.જામદાસાહી, તા.બસ્તી, ઉત્તર પ્રદેશ, હાલ બેંગ્લોર) જાણવા મળ્યું હતું જ્યારે ભાગી ગયેલ તેના સાથીનું નામ સોહેલ પાસે ચોરીનું પર્સ છે.