વડોદરાઃ સોના-ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી આગઝરતી તેજી જોવા મળી રહી છે.કોઈએ કલ્પના પણ ના કરી હોય તે હદે રોજ આ કિંમતી ધાતુઓના ભાવ વધી રહ્યા છે.જેની અસર હવે ઘરાકી પર દેખાઈ રહી છે.સોના-ચાંદીના ભાવમાં થયેલા ભડકાના કારણે દાગીનાની ઘરાકીમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થયો હોવાનું શહેરના જ્વેલર્સ કહી રહ્યા છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર અત્યારે જે ઘરાકી જોવા મળી રહી છે તેમાંથી મોટાભાગની ઘરાકી એવા લોકોની છે જે હજી પણ ભાવ વધશે તેવું વિચારીને સોના-ચાંદીની લગડીઓ અને દાગીના ખરીદીને રોકાણ કરી રહ્યા છે.તેમાં પણ શોર્ટ ટર્મ માટે નફો કમાવાની લાલચે રોકાણ કરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ લોકો સોનાના દાગીના નાછૂટકે અને લગ્ન જેવા પ્રસંગ માટે અનિવાર્ય હોય તો જ ખરીદી રહ્યા છે.તેના કારણે દાગીનાની ઘરાકીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
લગ્ન માટે જૂના દાગીના તોડાવીને નવા બનાવડાવી રહ્યા છે
સામે લગ્ન આવતા હોય અને દાગીનાની ખરીદી કરવી પડે તેવી સ્થિતિમાં લોકો વચલો રસ્તો પણ કાઢી રહ્યા છે.શહેરના એક શો રુમ સંચાલકના કહેવા પ્રમાણે જૂના દાગીનાને લોકો પોલીશ કરાવીને અથવા તો આ દાગીના ભંગાવીને તેમાંથી નવા દાગીના કરાવીને લગ્ન માટે ઉપયોગમાં લઈ રહ્યા છે.જેમાં તેમને મજૂરી ચાર્જ આપવાનો રહે છે.
બેન્કમાંથી લોન લઈને સોના- ચાંદીની ખરીદી
શહેરના સોના ચાંદીના વેપારીઓના સંગઠન વડોદરા જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે, અત્યારની ઘરાકીમાં ૬૦ ટકા હિસ્સો રોકાણકારોનો છે.અમે એવા પણ ઘરાકો જોઈ રહ્યા છે જે તેજીનો લાભ લેવા માટે બેન્કમાંથી લોન લઈને કે બીજી રીતે પૈસાનો જુગાડ કરીને સોનુ- ચાંદી ખરીદી રહ્યા છે.દાગીનાની ઘરાકીમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે પરંતુ આ પણ એક કામચલાઉ તબક્કો હોવાનું લાગે છે.લગ્ન માટેના દાગીનાની ખરીદી હજી થઈ રહી છે.
અમે રોકાઈ જવાની સલાહ આપીએ છે પણ...
સોના-ચાંદીના માર્કેટનો અત્યારનો માહોલ ઘણા ઉતાર- ચઢાવવાળો છે.એક જ્વેલરે કહ્યું હતું કે, ભાવ વધારા પછી પણ લોકો ખરીદી માટે આવી રહ્યા છે. અત્યારે સોનુ- ચાંદી લેનારાઓને અમે તો સલાહ પણ આપીએ છે કે, થોડી રાહ જૂઓ.પણ ઘણા લોકો અમારી વાત માનવા માટે તૈયાર નથી.


