Get The App

રાણપુરની આરએમપી કંપનીમાં પરચેઝ મેનેજર દંપતી દ્વારા રૃ.1.65 કરોડની છેતરપિંડી

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
રાણપુરની આરએમપી કંપનીમાં પરચેઝ મેનેજર દંપતી દ્વારા રૃ.1.65 કરોડની છેતરપિંડી 1 - image

ઓડિટમાં ભાંડો ફૂટયો, પુછપરછ હાથ ધરતા આરોપી ફરાર

રો-મટીરીયલ માર્કેટ ભાવ કરતાં વધુ ભાવે ખરીદી કરી સપ્લાયર્સ પાસેથી ઉપરના નાણા લઇ છેતરપિંડી આચરી

લીંબડીરાણપુર સ્થિત આર.એમ.પી કંપનીમાં ૧.૬૫ કરોડ રૃપિયાની ઉચાપત અને છેતરપિંડી મામલે કંપનીના પરચેઝ મેનેજર જયદીપ પ્રદિપભાઈ બેલાણી તથા તેમની પત્ની દીપાલી વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

કંપનીના મેનેજીંગ ડિરેક્ટર મિતેનભાઈ રાજેન્દ્રકુમાર મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું કે જયદીપ ૨૦૦૭થી કંપનીમાં નોકરીમાં જોડાયેલ અને ૨૦૨૦માં તેને પરચેઝ મેનેજર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨૦૨૧માં તેની પત્ની દીપાલી ટ્રેઈની તરીકે કંપનીમાં જોડાઈ હતી.

 

પરચેઝ મેનેજર તરીકે બંને પતિ-પત્નીને રો-મટીરીયલ ખરીદી, ભાવ નક્કી કરવી તથા સપ્લાયની જવાબદારી સોંપવામાં આવી હતી. કંપનીના વાર્ષિક ઓડિટમાં ઉત્પાદન અને ખરીદી વચ્ચે મોટો તફાવત સામે આવતા તપાસ હાથ ધરાઈ. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ૨૦૨૦થી ૨૦૨૨ દરમિયાન દંપતીએ રો-મટીરિયલ સપ્લાય કરતી કંપનીઓ સાથે મળીને બજાર ભાવ કરતા ઊંચા ભાવે ખરીદી દર્શાવી હતી. ઉપરના વધારાના નાણાં સપ્લાયર્સ પાસેથી જયદીપ અને દીપાલીએ રૃ.૧.૬૫ કરોડ પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા અથવા રોકડા મેળવ્યા હતા. ગત ડિસેમ્બરમાં પૂછપરછ થતા જ જયદીપ કંપનીમાંથી નાસી છૂટયો હતો. હાલ રાણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.