Gujarat

પંજાબમાં વકીલની ચકચારી હત્યાના આરોપીને પકડવા પંજાબ પોલીસ-ગુજરાત ATSનું વડોદરામાં ઓપરેશનઃઆરોપી પકડાયો

By GS TEAM
11 Aug 20252 mins read
પંજાબમાં વકીલની ચકચારી હત્યાના આરોપીને પકડવા પંજાબ પોલીસ-ગુજરાત ATSનું વડોદરામાં ઓપરેશનઃઆરોપી પકડાયો

વડોદરાઃ પંજાબના જંડિયાલા ગુરૃ ખાતે વકીલની કારમાં ફાયરિંગ કરી ઘાતકી હત્યા કરવાના ચકચારી પ્રકરણમાં એક શકમંદ આરોપીને વડોદરામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,અમૃતસર જિલ્લાના જંડિયાલા ગુરૃ ખાતે રહેતા વકીલ લખવિન્દરસિંઘ ગઇ તા.૨૧મી જુલાઇએ અમૃતસર કચેરીમાં જઇ રહ્યા હતા ત્યારે  બે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ઉપરોક્ત બનાવમાં હેપી જટ ગેંગનું નામ ચર્ચામાં રહ્યું હતું.વકીલોએ પણ હત્યાનો ઉગ્ર વિરોધ કરી દેખાવો કર્યા હતા.પંજાબ પોલીસે લવપ્રિતસિંઘ નામના એક આરોપીને ઝડપી પાડી રિમાન્ડ પર લીધો હતો.

આ પ્રકરણમાં પંજાબની એક ટીમ રાજવીર સિંઘ તેવરસિંગ મજબી(જલાલ ઉસ્મા, અમૃતસર)ની શોધમાં વડોદરા આવી હતી. ગુજરાત એટીએસ,જવાહરનગર પોલીસ અને એસઓજી પણ તેમની મદદમાં જોડાઇ હતી.

આરોપી રાજવીરસિંઘના લોકેશનને આધારે પોલીસે તેને બાજવાની વૃન્દાવન સોસાયટીમાંથી ઝડપી પાડયો હતો.૧૫ દિવસ પહેલાં જ તે રહેવા આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.જેથી પંજાબ પોલીસ તેને લઇ જવાની તજવીજ કરી રહી છે.રિમાન્ડ દરમિયાન હત્યા કેસમાં તેની ભૂમિકા અંગે વિગતો બહાર આવશે.

મોબાઇલ લોકેશન પર પોલીસ પહોંચી ત્યાંજ આરોપીનો મોબાઇલ બંધ થઇ ગયો

પંજાબના વકીલની હત્યા કેસમાં પોલીસ એક મોબાઇલ નંબરના લોકેશનના આધારે વડોદરા પહોંચી હતી.આ ફોનનું લોકેશન બાજવાની નવદુર્ગા સોસાયટી ખાતે  બતાવતું હતું.જેથી વડોદરા પોલીસ,એટીએસની ટીમ અને  પંજાબ પોલીસ નવદુર્ગા સોસાયટી ખાતે પહોંચ્યા હતા.

જો કે પોલીસ  પહોંચી તે જ વખતે મોબાઇલ બંધ થઇ જતાં પોલીસની મહેનત વધી ગઇ હતી.ત્યારબાદ પોલીસે છેલ્લા એક-બે સપ્તાહમાં રહેવા આવ્યા હોય તેવા લોકોની તપાસ કરતાં રાજવીરસિંગનું વૃન્દાવન સોસાયટીનું સરનામું મળ્યંુ હતું અને પોલીસે તેને દબોચી લીધો હતો.શકમંદ પાસેથી હત્યાના  બનાવમાં ઉપયોગમાં લીધેલો મોબાઇલ મળી આવ્યો હતો.