Gujarat

શિયાનગર ગામે 3 યુવક પર હુમલો કરનાર શખ્સોને સજા

By GS TEAM
12 Nov 20252 mins read
શિયાનગર ગામે 3 યુવક પર હુમલો કરનાર શખ્સોને સજા

- પિતાનું ખૂન થયાનો ખાર રાખી વાડીએ જઈ મારામારી કરી ધમકી આપેલી

- 2 શખ્સને 2 વર્ષ અને એક શખ્સને 6 માસની કેદની સજા ભોગવવા કોર્ટનો હુકમ

ભાવનગર : ગઢડા તાલુકાના શિયાનગર ગામે પિતાની હત્યા થયાનો ખાર રાખી ત્રણ શખ્સે ત્રણ યુવક પર હુમલો કર્યો હતો. જે બનાવમાં કોર્ટે ત્રણેય શખ્સને સજા અને દંડ ભરવા હુકમ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડાના શિયાનગર ગામે રહેતા રાજુભાઈ ભુપતભાઈ સોલંકી અને વનરાજભાઈ પ્રતાપભાઈ, રવિરાજભાઈ પ્રતાપભાઈ તથા કિરીટભાઈ પ્રતાપભાઈ સહિતનાઓ ગત તા.૨૦-૧૦-૨૦૨૦ના રોજ રાત્રિના ૧૨-૪૫ કલાકે સાંગાવદર જવાના જૂના માર્ગે આવેલ વાડીએ પાણી વાળવા ગયા ત્યારે વાડીમાં સૂતા હતા. આ સમયે ૧૦ વર્ષ પૂર્વે કેરી નદીમાં રેતી ભરવા બાબતે રાજુભાઈના કુટુંબીઓએ વિક્રમના પિતા જોરસંગભાઈ પાંચાભાઈ ડાભીની હત્યા કરી હોય, તેની દાઝ રાખી અભેસંગ રમસંગભાઈ ડાભી, બનેસંગ રામસંગભાઈ ડાભી, વિક્રમ જોરસંગભાઈ ડાભી (રહે, શિયાનગર)એ વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરી લોખંડના પાઈપ, કોદાળી વડે રાજુભાઈ, વનરાજભાઈ અને રવિભાઈને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ગઢડા પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય શખ્સની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ ગઢડાના જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવા, દલીલોને ધ્યાને લઈ ન્યાયમૂર્તિ એચ.એ.મકાએ અભેસંગ ડાભીને બે વર્ષ સાદી કેદ, બે હજારનો દંડ, બનેસંગ ડાભીને આઈપીસી ૩૨૩ મુજબના ગુનામાં છ માસની સજા, એક હજારનો દંડ તેમજ આઈપીસી ૩૨૫ હેઠળ બે વર્ષ સાદી કેદ, બે હજારનો દંડ અને વિક્રમ ડાભીને છ માસ સાદી કેદની સજા, એક હજારનો દંડ ભરવા હુકમ કર્યો છે. બનેસંગ ડાભીએ તમામ ગુનાની સજા એકસાથે ભોગવવા કોર્ટે ફરમાન કર્યું છે.