૨૩ લાખ પડાવી લેવાના કેસમાં પૂનાનો આરોપી ઝડપાયો
ડિજિટલ એરેસ્ટની ધમકી આપી ગેંગને રૃપિયા ટ્રાન્સફર માટે બેંક એકાઉન્ટ ખોલાવી આપતો હતો
વડોદરા,ડિજિટલ એરેસ્ટની ધમકી આપી નિવૃત્ત સરકારી કર્મચારીના ૨૩ લાખ પડાવી લેનાર સાયબર માફિયાઓની ટીમ દ્વારા અન્ય એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કેસમાં બેંકમાં બોગસ પેઢીના આધારે ખાતા ખોલાવનાર પૂનાના ઠગને સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી પાડયો છે.
આજવા રોડની મેડિકલ કોલેજ પાસે રહેતા નિવૃત્ત સરકારી કર્મચારીને સાયબર માફિયાઓએ કોલ કરીને કહ્યું હતું કે, તમારૃં આધાર કાર્ડ મની લોન્ડરીંગના કેસમાં વપરાયું છે. ત્યારબાદ તે લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાંથી તમને કોલ આવશે. વીડિયો કોલ કરીને ફરિયાદી પાસેથી તેમના તમામ બેંક એકાઉન્ટની વિગતો લેવામાં આવી હતી. તેમજ એવું કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી તમામ વિગતો સાબિત નહીં થાય ત્યાં સુધી બેંક બેલેન્સ, એફ.ડી., શેર બધુ સરન્ડર કરવું પડશે. જો તેઓ એવું નહી કરે તો ઘરે આવીને પોલીસ તેઓને પકડી જશે. તેમ કહી ધમકાવી ફરિયાદીના એકાઉન્ટમાંથી ૨૩ લાખ એક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. સાયબર ક્રાઇમ વડોદરાની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા જે બેંક એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર થયા હતા. તે બેંક એકાઉન્ટ મહારાષ્ટ્રના પૂના ખાતેનું આવ્યું હતું. પોલીસે આરોપી મહેન્દ્રકુમાર મેઘવાલ (રહે. પૂના, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડયો હતો. આરોપી માત્ર ધો. ૮ પાસ છે. તે એક, બે મહિના માટે અલગ - અલગ શહેરોમાં દુકાન કે મકાન ભાડે રાખતો હતો અને ડમી પેઢી ઉભી કરી બેંકમાં એકાઉન્ટ ખોલાવતો હતો. તેણે વડોદરામાં પણ આ રીતે છ એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેમન અન્ય શહેરોમાં મિત્રોના નામે ૧૫ થી વધુ એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેના ૧૦ થી વધુ એકાઉન્ટ પર ઓનલાઇન કમ્પલેન છે જેમાં ૫૦ લાખનું ટર્ન ઓવર છે. આ કેસમાં પોલીસે ફરિયાદીને ૨૩ લાખ પૈકી ૧૮.૮૬ લાખ પરત અપાવ્યા છે.