સુરતમાં સ્વચ્છતાનો બેવડો માપદંડ? શિક્ષણ મંત્રીના કાર્યાલય બહાર ગંદકીનો વીડિયો વાયરલ, દંડ કોણ ભરશે?
Surat : સુરત શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોના ઉપદ્રવને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ (VBDC) વિભાગ સક્રિય બન્યો છે. હોસ્પિટલો અને બાંધકામ સાઇટ્સ પર સર્વે કરીને મચ્છરોના બ્રિડિંગ સ્પોટ શોધી લાખો રૂપિયાનો દંડ ફટકારવા સાથે નોટિસ પણ પાઠવવામાં આવી રહી છે. જોકે, આ આક્રમક કામગીરી વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીના સુરત ખાતેના કાર્યાલય બહારની ગંદકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષ અને સવાલો ઉભા થયા છે.
મંત્રીના કાર્યાલય બહાર ઉબડ-ખાબડ રસ્તા અને ગંદા પાણીના ભરાયેલા હોય તેવું વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કામરેજના ધારાસભ્ય અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાના સુરત સ્થિત કાર્યાલયનું બોર્ડ દેખાય છે અને તેની આસપાસના વિસ્તારમાં ભારે ગંદકી જોવા મળે છે. રસ્તાઓ પર ખાડાઓ છે અને અનેક જગ્યાએ ગંદા પાણીના ખાબોચિયાં ભરાયેલા છે. આ દ્રશ્યો સામે આવ્યા બાદ લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, "આ ગંદકીમાં મચ્છર નહીં થતા હોય?"
લોકોમાં ઉભરાતો રોષ: "સરકારની ટકોર મંત્રીઓને લાગુ પડતી નથી?"
એક તરફ ગુજરાત સરકાર લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવે છે અને સુરતીઓને પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે ટકોર કરે છે. પરંતુ, આ વાયરલ વીડિયોથી લાગી રહ્યું છે કે, સરકારની આ ટકોર સરકારના જ મંત્રીઓ કે અન્ય નેતાઓને કોઈ અસર કરતી નથી. પાલિકા છેલ્લા ત્રણ-ચાર દિવસથી મચ્છરની ઉત્પત્તિ રોકવા માટે આક્રમક કામગીરી કરી રહી છે અને મચ્છરના બ્રિડિંગ કે ગંદકી મળે તો નોટિસ આપવા સાથે દંડ પણ વસૂલે છે. પાલિકાની આ કામગીરીથી ગંદકી રાખનારાઓ ભયભીત બન્યા છે અને સફાઈ અભિયાન હાથ ધરી રહ્યા છે.
આ સંજોગોમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે, "સ્વચ્છતાની જવાબદારી માત્ર સુરતીઓની જ નથી, પરંતુ સરકારની પણ છે. જો સરકારના મંત્રીઓના કાર્યાલય બહાર જ આટલી ગંદકી હોય તો આવી ગંદકી બદલ કોઈ નોટિસ આપવામાં આવશે ખરી?" આ ઘટનાથી પાલિકાની સ્વચ્છતા ઝુંબેશની સમાનતા અને રાજકીય હસ્તક્ષેપ અંગેના પ્રશ્નો ઉભા થયા છે.