Get The App

11 યુનિવર્સિટીઓમાં સરકારનું રાજ : ચાર વખત નામંજૂર થયેલું 'ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ' પસાર, વિદ્યાર્થી રાજકારણ થશે પૂર્ણ

રાજ્યની 11 યુનિવર્સિટી સમાન કાયદા-નિયમ આધીન સંચાલન કરાશે

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે આ બિલ ગૃહમાં રજૂ કર્યું હતું

Updated: Sep 16th, 2023

GS TEAM


Google News
Google News
11 યુનિવર્સિટીઓમાં સરકારનું રાજ : ચાર વખત નામંજૂર થયેલું 'ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ' પસાર, વિદ્યાર્થી રાજકારણ થશે પૂર્ણ 1 - image

હવેથી રાજ્યની તમામ 11 સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે આવશે. આજ રોજ ગુજરાત વિધાનસભામાં ચાર વખત નામંજૂર થયેલું 'પબ્લિક યુનિવર્સિટી બિલ' બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે આ બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. આ બિલ પર કેટલાક ધારાસભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરાયો હતો. આ બિલને લઈને વિધાનસભામાં 5 કલાક સુધી ચર્ચા ચાલી હતી. મહત્વનું છે કે, આ બિલ લાગુ થતાંની સાથે જ રાજ્યની 11 યુનિવર્સિટી સમાન કાયદા-નિયમ આધીન સંચાલન કરવામાં આવશે. આ બિલમાં યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહિતની બાબતોના નિયમો ઘડાયા છે. 

આ બીલની મુખ્ય જોગવાઈઓ

  • અલગ અલગ યુનિવર્સિટીઓના હવે પોતાના નિયમો અમલી બનશે નહીં 
  • 11 સરકારી યુનિવર્સિટીમાં એક સમાન અભ્યાસક્રમ, પ્રવેશ અને પરીક્ષા પદ્ધતિ અમલમાં મૂકાશે 
  • રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ થઇ સરકારી સત્તાનો અમલ થશે 
  • યુનિવર્સિટીઓની એકેડેમીક અને ફાઈનાન્સિયલ ઓટોનોમિ સમાપ્ત થશે
  • કુલપતિની ટર્મ 3ના બદલે 5 વર્ષની અને કુલપતિની નિમણુંકમાં નો-રિપિટ પોલીસી અમલી બનશે
  • 11 યુનિવર્સિટીઓમાંથી 10 યુનિવર્સિટીના કુલપતિ રાજ્યના રાજ્યપાલ રહેશે
  • વડોદરા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં રાજમાતા સુભાંગીની ગાયકવાડ ચાન્સેલર રહેશે
  • અધ્યાપકો, આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસર, અધ્યક્ષોની નિમણૂકમાં 33 ટકા મહિલા સભ્યોની જોગવાઈ
  • સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે
  • નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સ શરૂ કરવા માટે સ્વાયત્ત રહેશે
  • ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે

આ 11 યુનિવર્સિટીનો સમાવેશ

  1. ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (વડોદરા)
  2. ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ)
  3. સરદાર પટેલ યુનિવર્સિટી (આણંદ)
  4. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (સુરત)
  5. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (રાજકોટ)
  6. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (ભાવનગર)
  7. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ)
  8. ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (અમદાવાદ)
  9. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી (કચ્છ)
  10. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (જૂનાગઢ)
  11. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (ગોધરા)


ખાનગી યુનિવર્સિટીઓને પણ બિલ હેઠળ આવરી લેવા માંગ

આ બિલને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 11 યુનિવર્સિટી ઉપરાંત 100 ખાનગી યુનિવર્સિટી છે, ત્યારે આ તમામ યુનિવર્સિટીને પણ આ બિલ હેઠળ આવરી લેવામાં આવે એવી અમારી માગ છે.

રાજ્ય સરકારની મંજૂરી વિના નહીં થઈ શકે ભરતી પ્રક્રિયા

આ નિયમો અનુસાર, યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રદ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસિસ ચલાવી શકશે નહીં. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અંતર્ગત તમામ નિયમો નિર્દેશ કરાશે. કુલપતિની નિમણૂંક, પ્રાદ્યાપકો કર્મચારીઓની બદલીના વિશેષ નિયમો ઘડાયા છે. રાજ્ય સરકારની મંજૂરી વિના યુનિવર્સિટીઓમાં ભરતી પ્રક્રિયા થઈ શકશે નહીં. યુનિવર્સિટીઓની સ્થાવર મિલકત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે. યુનિવર્સિટીઓના ફંડનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાશે નહીં.

યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી રાજકારણ થશે પૂર્ણ

પબ્લિક યુનિવર્સિટી એક્ટ બનતા જ મોટા ફેરફાર થશે. જે અંતર્ગત કુલપતિની ટર્મ હવે 3 વર્ષના બદલે 5 વર્ષની રહેશે. જ્યારે એક યુનિવર્સિટીમાં કુલપતિ રહેલી વ્યક્તિને બીજી વખત કુલપતિ નહીં બનાવવામાં આવે. સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણીઓ હવે યુનિ.માં નહીં થાય, જેના કારણે યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી રાજકારણ પૂર્ણ થશે. આ અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે આ બિલથી યુનિવર્સિટીમાં સેનેટ-સિન્ડિકેટ પ્રથા ખતમ થઈ જશે અને તેના કારણે યુવા નેતાઓ મળવા મુશ્કેલ બનશે.  યુનિવર્સિટીના જૂના બિલમાં કલમ 19માં વાણી અને વિચારો માટેની અભિવ્યક્તિ આપવામાં આવી છે. નવા બિલ લાગુ થયા બાદ વાણી અને વિચારોની અભિવ્યક્તિ નહીં રહે.

10 યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ રહેશે

મેનેજમેન્ટ ઓથોરિટીમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસક્રમે યુનિવર્સિટી બદલી શકશે. વડોદરા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં રાજમાતા સુભાંગીની ગાયકવાડ ચાન્સેલર રહેશે, બાકીની 10 યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ રહેશે.

Tags :