Get The App

બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી

પોલીસે બૂલેટ ડિટેન કરવાનું કહેતા ચાલક ઉશ્કેરાયો : સયાજીમાં સારવાર માટે દાખલ

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી 1 - image

વડોદરા,મહારાણી શાંતાદેવી નર્સિંગ હોમ ચાર રસ્તા પાસે આજે સવારે બૂલેટ ચાલક અને ટ્રાફિક જવાનો વચ્ચે ઝપાઝપી થઇ હતી. પોલીસે માર માર્યો હોવના આક્ષેપ સાથે  બૂલેટ ચાલક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો.

બાજવારોડ આમ્રપાલી રેસિડેન્સીમાં રહેતો કૌશલસિંહ વિજેન્દ્રસિંહ ( ઉં.વ.૩૦) સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. તેણે એવી કેફિયત રજૂ કરી હતી કે,  આજે સવારે સાડા દશ વાગ્યે બૂલેટ લઇને મહારાણી શાંતાદેવી નર્સિંગ હોમ ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો. ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ ઊભો રહ્યો હતો. તેના બૂલેટની નંબર પ્લેટ તેમજ મોડિફાઇડ સાયલેન્સર બાબતે ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ થતા તેણે ચલણ ભરવાની તૈયારી દર્શાવી હતી. તેમછતાં ટ્રાફિક પોલીસના જવાનોએ તેને ડંડા વડે માર માર્યો હતો. તેને લાતો મારી વાળ ખેંચી પોલીસ વાનમાં બેસાડીને સયાજીગંજ ટ્રાફિક ઓફિસ લઇ ગયા હતા. ત્યાં પણ પોલીસવાળાએ તેને માર મારતા ડાબી આંખની નીચે, માથા, પગ  તથા છાતીમાં ઇજા થઇ હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા યુવકે પ્રાઇવેટ  પાર્ટમાં પણ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. આ અંગે ટ્રાફિક એ.સી.પી.એ  જણાવ્યું છે કે, બૂલેટ ચાલક ચલણ ભરવાની જીદ્દ કરતો હતો. પરંતુ, તેણે એકથીવધુ  નિયમોનો ભંગ કર્યો હોઇ તેનું બૂલેટ ડિટેન કરવાનું હતું. તે મુદ્દે તેણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. જાહેર રોડ પર થયેલી ઝપાઝપીના કારણે લોકો ટોળે વળ્યા હતા.