રાજુલામાં બજાર વચ્ચે સડેલું માંસ ફેંકી જવાતાં જનાક્રોશ

ચિફ ઓફિસરે ફરિયાદ નોંધાવી : CCTV પરથી બે શખ્સ ઓળખાયા : બન્ને સફાઈ કામદારને પકડવા પોલીસ દ્વારા શોધખોળ : સફાઈ કામદારોની હડતાળ યથાવત, બહારના 12 મજૂરોને કામે રખાયા
અમરેલી,: રાજુલામાં સફાઈ કામદારોના આંદોલન વચ્ચે વાતાવરણ અને માહોલ બગાડવા માટે બે સફાઈ કામદારોએ એકટિવામાં આવીને પશુનું સડેલું માંસ બજારમાં ફેકીને ચાલ્યા જતાં લોકોમાં ભારે આક્રોશ છવાઈ ગયો છે. આ બાબતે ચીફ ઓફિસરે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ચેક કરીને બન્નેને ઓળખી લીધા છે. હવે બન્નેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજુલામાં જૂની માગણીઓનો ઉકેલ લાવવા તેમજ કાયમી સફાઈ કામદારોની ભરતી કરવા સહિતની વિવિધ ડિમાન્ડ સાથે સફાઈ કામદારોનું આંદોલન ચાલુ છે. હડતાળના કારણે શહેરમાં ગંદકી ન ફેલાય એ માટે ગઈકાલે પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી પણ સફાઈમાં રૃકાવટ સર્જી શ્રમિકો પાસેથી સાવરણા આંચકી લેવાની ઘટના બનતા 45 સફાઈ કામદારોની અટકાયત થઈ હતી.
અહી હાલ સફાઈ કરાવવા માટે પાલિકાએ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. આ માટે બહારગામથી 15 જેટલા મજુરોને સફાઈ કામમાં રોક્યા છે. આની વચ્ચે અહી સ્કૂટરમાં બેસીને આવેલા બે સફાઈ કામદારોએ બજારના ભરચકક લત્તામાં દેલવાડી મહાજન વાડી પાસે મરેલા પશુનું સડેલું માંસ બજારમાં ફેકીને ગંદકી ફેલાવતા ચીફ ઓફિસરે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે CCTV કેમેરા ચકાસતા બન્નેની ઓળખ થઈ ગઈ છે. આ બન્નેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે તેમજ કસુરવાનો સામે કડક પગલા લેવા માગ ઉઠી છે.








