Gujarat

નળકાંઠામાં પુરપાટ ઝડપે દોડતા ડમ્પરો સામે લોકોમાં આક્રોશ

By GS TEAM
18 Dec 20251 min read
નળકાંઠામાં પુરપાટ ઝડપે દોડતા ડમ્પરો સામે લોકોમાં આક્રોશ

યુવાન ડોક્ટરના મોત બાદ

છ ગામના સરપંચોએ મામલતદારને આવેદન આપી ડમ્પર ચાલકો સામે કાર્યવાહીની માંગ કરી

બગોદરાઅમદાવાદ ગ્રામ્યના નળકાંઠા વિસ્તારમાં બેફામ દોડતા ગેરકાયદે ડમ્પરે ડોક્ટર યશ ઝાપડિયાનો ભોગ લેતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના વિરોધમાં વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘ સહિત દહેગામડા, મેટાલ, છબાસર, દેવ ધોલેરા, બલદાણા અને કેસરડી ગામના સરપંચોએ એકઠા થઈ બાવળા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગ્રામજનોનો આક્ષેપ છે કે કેરાળાથી નળસરોવર સુધીના માર્ગ પર રાત્રિ દરમિયાન મોટા પાયે ગેરકાયદે માટી ખનન અને રોયલ્ટી વગરના ડમ્પરોનો રાફડો ફાટયો છે. આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો તંત્ર તાત્કાલિક ધોરણે રોયલ્ટી વગરના ડમ્પરો પર રોક નહીં લગાવે, તો સ્થાનિક યુવાનો સ્વયંભૂ રસ્તા પર ઉતરીને ડમ્પરો અટકાવશે. આ દરમિયાન જો કોઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસશે, તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. ગ્રામજનોએ મુખ્યત્વે ત્રણ માંગણીઓ કરી છે (૧) ગેરકાયદે માટી ખનન અને રોયલ્ટી વગરના ડમ્પરો પર કાયમી પ્રતિબંધ. (૨) ઓવરસ્પીડ દોડતા ડમ્પર ચાલકો સામે કડક પોલીસ કાર્યવાહી. (૩) નિર્દોેષના જીવ લેનારા ડમ્પર માલિકો સામે ગુનો દાખલ કરવો.