Jamnagar : જામનગરમાં તળાવની પાળ પર ભુજીયા કોઠા પાસેથી ક્રેઇન હટાવવાની કામગીરીને અનુસંધાને ભુજીયા કોઠાથી ખંભાળીયા ગેઇટ તરફનો રસ્તો 7 થી 10 જાન્યુઆરી સુધી બંધ રાખવાની જાહેર નોટીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવી હતી. પરંતુ ગઇકાલે સવારથી ભુજીયા કોઠાથી ખંભાળીયા ગેઇટ તરફનો રસ્તો બંધ કરવા ઉપરાંત તંત્રએ ભુજીયા કોઠાથી શ્રી બાલા હનુમાન મંદિર તથા શ્રી સત્યનારાયણ મંદિર તરફ જતો રસ્તો પણ બંધ કરી દેતા હજારો દર્શનાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી.
જાહેર નોટીસ તો એક જ રસ્તો બંધ કરવાની હતી પરંતુ તેનો અમલ બે રસ્તા પર થયો હતો! જેને પગલે તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા હતાં. બીજી તરફ આ રસ્તો બંધ થઇ જતા શ્રી બાલા હનુમાન મંદિર તથા શ્રી સત્યનારાયણ મંદિરે જવા માટે સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ નરસિંહ મહેતાની પ્રતિમા પાસેનાં પગથિયા એકમાત્ર વિકલ્પ હોય તમામ દર્શનાર્થીઓ અહીંથી પસાર થતા સત્યનારાયણ મંદિર રોડ પર ટ્રાફિક જામ તથા પાર્કીંગ સહિતની સમસ્યાઓ સર્જાઇ હતી. કોઇપણ પૂર્વ સૂચના વગર મંદિરોનો માર્ગ બંધ કરી દેવાતા ભક્તોને હાલાકી થવા ઉપરાંત તંત્રની અણધડ કામગીરી પણ ચર્ચાનો વિષય બની છે.


