Get The App

કઠલાલની સરકારી હોસ્પિટલના મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ, તપાસની માંગ

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
કઠલાલની સરકારી હોસ્પિટલના મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ, તપાસની માંગ 1 - image

- હોસ્પિટલના પાછળના ભાગે અને ખૂણામાં ઢગલા 

- મેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલના અભાવે દર્દીઓ, રાહદારીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો

નડિયાદ : કઠલાલ સરકારી હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટના નિકાલમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે તે ખુલ્લામાં નાખવામાં આવતા રખડતા જાનવરો આ કચરાને ખેંચીને જાહેર રોડ સુધી લઈ આવે છે. લોહીવાળા પાટા, વપરાયેલી સિરિંજ અને અન્ય જોખમી કચરો રસ્તા પર ફેલાઈ રહ્યો હોવાથી સ્થાનિક રહિશો અને હોસ્પિટલે આવતા દર્દીઓના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઉભું થયું છે.

કઠલાલની સરકારી હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. નિયમ મુજબ મેડિકલ વેસ્ટનો નિકાલ સુરક્ષિત રીતે કરવાનો હોય છે, પરંતુ અહીં હોસ્પિટલ તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. હોસ્પિટલના પાછળના ભાગે અથવા ખૂણામાં મેડિકલ વેસ્ટના ઢગલા કરી દેવામાં આવ્યા છે. આ કચરામાં પ્લાસ્ટિકની થેલીઓ, દવાનો વેસ્ટ અને સજકલ આઈટમ્સનો સમાવેશ થાય છે. આ કચરો જે જગ્યાએ નાખવામાં આવે છે ત્યાં કોઈ પ્રોપર ગેટ કે પ્રોટેક્શન ન હોવાથી કૂતરા અને અન્ય જાનવરો આ વેસ્ટને મોઢામાં ભરીને જાહેર માર્ગો પર ફેલાવે છે. 

હોસ્પિટલની બહારના મુખ્ય રસ્તા પર અને આસપાસના વિસ્તારમાં મેડિકલ વેસ્ટ વેરવિખેર જોવા મળી રહ્યો છે. આ ગંભીર બેદરકારીના કારણે વાતાવરણમાં દુર્ગંધ ફેલાવાની સાથે સાથે ચેપી રોગચાળો ફાટી નીકળવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે. ખાસ કરીને નાના બાળકો અને રાહદારીઓ આ ગંદકીના સંપર્કમાં આવતા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી હોસ્પિટલ પોતે જ આરોગ્યની જાળવણી માટે હોય છે, ત્યારે ત્યાં જ આ પ્રકારે કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવી તે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને મેડિકલ વેસ્ટના નિકાલ માટે કાયમી અને સુરક્ષિત વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી લોકોનું આરોગ્ય જોખમાય નહીં.