Get The App

પી.ટી. શિક્ષકે વિદ્યાર્થીઓને ગોવા લઈ જવાનું કહી ૨.૮૨ લાખ પડાવ્યા

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
પી.ટી. શિક્ષકે વિદ્યાર્થીઓને ગોવા લઈ જવાનું કહી ૨.૮૨ લાખ પડાવ્યા 1 - image


સરગાસણમાં આવેલી કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલના

શાળામાં જઈને તપાસ કરતા કોઈ પ્રવાસનું આયોજન જ નહીં થયુ હોવાનું બહાર આવ્યું  ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સરગાસણમાં આવેલી કામેશ્વર ઇન્ટરનેશનલ શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને રમતગમતની સ્પર્ધા માટે ગોવા લઈ જવાનું કહીને ૨.૮૨ લાખ રૃપિયાની રકમ પડાવી લીધી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે ઈન્ફોસીટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાલમાં છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે જ્યાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે તેવી શાળામાં જ હવે તો છેતરપિંડીની ઘટનાઓ જોવા મળી રહી છે. આવી જ એક ફરિયાદ ગાંધીનગર નજીક આવેલા સરગાસણની કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બહાર આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સરગાસણમાં આવેલી સ્પાન એલીગન્સ વસાહતમાં રહેતા જતીનભાઈ મહેન્દ્રભાઈ નાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમનો પુત્ર કામેશ્વર ઇન્ટરનેશનલ શાળામાં ધોરણ છમાં અભ્યાસ કરે છે અને આ શાળાના પીટી શિક્ષક પ્રગ્નેશ હનુભા બરહટ દ્વારા વિદ્યાર્થીઓને રમતગમત માટે ગોવા, પાંડીચેરી અને વડોદરા ખાતે લઈ જવાની વાત કરી હતી. જે માટે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ ૧૫ હજાર રૃપિયાની ફી નક્કી કરવામાં આવી હતી. જેના પગલે જતીનભાઈએ તેમના પુત્રની ફી પેટે ૧૫ હજાર રૃપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે ૮ મેના રોજ ટિકિટ અને વ્યવસ્થા સંદર્ભે પુછવામાં આવતા શિક્ષકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી સ્થિતિને કારણે હાલ પ્રવાસ રદ થયો હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ સ્પર્ધા રદ થઈ ગઈ હોવાથી રૃપિયા પરત આપી દેશે તેમ કહ્યું હતું. જોકે શિક્ષકે પછીથી ફોન ઉપાડવાનું બંધ કરી દેતા જતીનભાઈ શાળામાં ગયા હતા અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પ્રજ્ઞોશ બરહટને માત્ર એક મહિના માટે જ નોકરી ઉપર રાખવામાં આવ્યો હતો અને હાલમાં તેને છૂટો કરી દેવામાં આવ્યો છે. શાળા દ્વારા આવી કોઈ જ રમત ગમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જોકે જતીનભાઈ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા અલગ અલગ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી કુલ ૨.૮૨ લાખ રૃપિયા જેટલી રકમ પ્રજ્ઞોશ દ્વારા પડાવી લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેથી હાલ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને શિક્ષકની શોધખોળ શરૃ કરી છે.

Tags :