Gujarat

રાજ્યમાં ૨૪૧ PSIને છ માસથી PIના પ્રમોશન પણ હજી પોસ્ટિંગ નથી અપાયા

By GS TEAM
12 Aug 20252 mins read
રાજ્યમાં ૨૪૧ PSIને છ માસથી PIના પ્રમોશન પણ હજી પોસ્ટિંગ નથી અપાયા

વડોદરા, તા.12 રાજ્યના ગૃહખાતા દ્વારા છ માસ પહેલા પીએસઆઇને પ્રમોશન આપીને પીઆઇ બનાવાયા હતા પરંતુ હજી સુધી તેઓનું પોસ્ટિંગ કરવામાં આવ્યું નથી. 

પ્રાપ્ત માહિતી મુજબ તા.૨૦ ફેબુ્રઆરીના રોજ સમગ્ર રાજ્યના ૧૫૯ પીએસઆઇને એકસાથે પીઆઇના પ્રમોશનની જાહેરાત કરવામાં આવી હતી. આ ઓર્ડર બાદ તા.૭ એપ્રિલના રોજ વધુ ૩૩ અને તા.૯ એપ્રિલના રોજ વધુ ૪૯ પીએસઆઇને પીઆઇના પ્રમોશન આપવાના ઓર્ડરો કરવામાં આવ્યા હતાં. આમ છેલ્લા છ માસ દરમિયાન કુલ ૨૪૧ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ પીઆઇ બની ગયા છે પરંતુ તેઓ હજી પણ જે તે શહેર અથવા જિલ્લામાં જ છે.

પીએસઆઇમાંથી પીઆઇ બનેલા તમામ પોલીસ અધિકારીઓ ક્યારે અમારી બદલી થાય તેની રાહ જોઇને બેઠા છે. કેટલાંકે તો નવી જગ્યાઓ માટે લોબિંગ પણ શરૃ કરી દીધું છે. પીઆઇ બની ગયેલા અધિકારીઓ હવે નવા સ્થળે હાજર થવા માટે ઉત્સાહિત હતા પરંતુ હવે તેમનો ઉત્સાહ પણ મહિનાઓ થતાં ઓસરી ગયો છે. પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચા મુજબ પીઆઇથી ડીવાયએસપીના પ્રમોશન આપ્યા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર પીઆઇનું પોસ્ટિંગ કરાશે જ્યારે અન્ય એક ચર્ચા એવી પણ છે કે સીઆઇડી ક્રાઇમ, એસીબી જેવી મહત્વની બ્રાંચોમાં વર્ષ-૨૦૦૯ કે ૨૦૧૦ની બેચના સિનિયર પીઆઇના પોસ્ટિંગ થયા બાદ નવા પીઆઇને બદલવામાં આવશે.

પીએસઆઇથી પીઆઇના પ્રમોશન બાદ છ મહિના જેટલા લાંબા સમય સુધી કોઇ પોલીસ અધિકારીઓને પોસ્ટિંગ ના અપાયું હોય તેવું કદાચ પ્રથમ વખત બન્યું છે. ગૃહ વિભાગમાં પ્રમોશન બાદ લાંબા સમય સુધી નવી જગ્યાએ નિમણૂંક નહી અપાતા હવે અધિકારીઓની પણ નિરાશ થઇ ગયા છે.