મોરબીના જાંબુડિયા ગામ પાસે ટ્રકે એક્ટિવાને ઠોકર મારતાં PSIનું મોત
પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ પૂર્ણ કરી ઘરે જતા હતા ત્યારે બનાવ
અકસ્માત બાદ ચાલક નાસી ગયો, ટ્રક ગાળા ગામ પાસેથી રેઢી હાલતમાં મળી આવતા તપાસ હાથ ધરાઇ
પ્રાપ્ત વિગત મુજબ મકનસર ખાતે આવેલા મોરબી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ ભગવાનજીભાઈ રવાજીભાઈ જાડેજા ગત રાત્રે હેડ ક્વાર્ટરમાં પોતાની ફરજ પૂર્ણ કરી એક્ટીવા લઇ પરત મોરબી પોતાના ઘરે આવી રહ્યા હતા. ત્યારે જાંબુડિયા ગામના ઓવરબ્રીજ પર ટ્રક ચાલકે એક્ટીવાને પાછળથી ઠોકર મારતા તેઓ પડી ગયા હતા. અને દીવાલ સાથે અથડાતા ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક લઇ ચાલક નાસી ગયો હતો.
મૂળ ભુજના મોટા રેહા ગામના વતની પીએસઆઈના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડાતા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ હોસ્પિટલે ઉમટયા હતાં. મોરબી તાલુકા પોલીસે મૃતક પીએસઆઈના પુત્ર મિતરાજસિંહ જાડેજાની ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન જે ટ્રક થકી અકસ્માત થયો હતો. તે ટ્રક રેઢી હાલતમાં ગાળા ગામ નજીકથી મળી આવ્યો હતો. જ્યારે ચાલક ફરાર થઇ ગયો હોઇ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઇ છે.