શ્રમ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ.1461 કરોડની જોગવાઈ
ગાંધીનગર, તા. 26 ફેબ્રુઆરી 2020 બુધવાર
- સરકાર દ્વારા આગવી પહેલ કરી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ મારફત કુલ 17,86, 797 યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવી છે. વૈશ્વિક કક્ષાના તેમજ ઉદ્યોગોની માગ આધારિત કૌશલ્ય નિર્માણ માટે નાસ્મેદ, ગાંધીનગર ખાતે 20 એકરમાં પીપીપી ધોરણે ટાટા ગ્રૂપના સહકારથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના યુવાનો માટે રોજગારીની તકો વઘશે.
- મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત એક લાખ એપ્રેન્ટિસોની ભરતી માટે રૂ.92 કરોડની જોગવાઈ.
- ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશન મારફતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને અન્ય કૌશલ્ય વિકાસ યોજનાઓના માધ્યમથી 70 હજાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપવા માટે રૂ.50 કરોડની જોગવાઈ.
- યુવાનોને રોજગાર માટે તાલીમબદ્ધ કરવા ભારત સરકાર દ્વારા સ્ટ્રાઈવ પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટમાં રાજ્યની કુલ 30 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ માટે રૂ.33 કરોડની જોગવાઈ.
- નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ધોરણે રાજ્યમાં સ્કીલ ઇકો સિસ્ટમને મજબૂત કરવા ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના માટે રૂ.30 કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે.
- આઇ.ટી.આઇ. નવા મકાનો, વર્કશોપ, થીયરીરૂમ અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા તેમજ તેને આધુનિક સાધનોથી સુસજ્જ કરવા જેવી માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે રૂ 264 કરોડની જોગવાઈ.
- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે 1,20,000 બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવામાં આવશે, જેના કારણે કામદારોને મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે અને તેમની આવકમાં વધારો થશે. આ સહાય આપવા માટે રૂ.50 કરોડની જોગવાઈ.
- શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ બાંધકામ શ્રમિકોને માત્ર રૂ.10 માં બપોરના ભોજનનો લાભ આપવામાં આવે છે. હવે યુ-વીન કાર્ડ ધારકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. જે માટે કુલ રૂ.35 કરોડની જોગવાઇ.
- ધન્વન્તરી આરોગ્ય રથ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વધુ 16 આરોગ્ય રથની સુવિધા પૂરી પાડવા રૂ.25 કરોડની જોગવાઈ.
- બાંધકામ શ્રમિકના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને હાલમાં પ્રસૂતિ સહાય પેટે રૂ.7500ની સહાય આપવામાં આવે છે. તેને ઉદાર બનાવતા હવે મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્થા દરમિયાનના છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ, એમ કુલ ચાર માસ સુધી માસિક રૂ.5,000ની સહાય આપવામાં આવશે. આમ, મહિલા, બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૂતિ સહાય પેટે કુલ રૂ.27,500 આપવામાં આવશે. જે માટે કુલ રૂ.6 કરોડની જોગવાઇ.
- બાંધકામ શ્રમિકોને હાઉસિંગ સબસિડી. યોજના હેઠળ બેન્કમાંથી લીધેલ લોન ઉપર પાંચ વર્ષ સુધી, પ્રતિ વર્ષ રૂપિયા વીસ હજારની વ્યાજ સહાય આપવામાં આવશે.