Gujarat

રોગચાળાના સાચા આંકડા આપો, મ્યુનિ.કમિશનર, અમદાવાદમાં કમળા-કોલેરા માટેના ૨૭ હાઈરીસ્ક એરીયા જાહેર કરાયા

By GS TEAM
7 Nov 20252 mins read
રોગચાળાના સાચા આંકડા આપો, મ્યુનિ.કમિશનર, અમદાવાદમાં કમળા-કોલેરા માટેના ૨૭ હાઈરીસ્ક એરીયા જાહેર કરાયા

અમદાવાદ,શુક્રવાર,7 નવેમ્બર,2025

અમદાવાદમાં સતત વધી રહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસને લઈ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ઈન્ચાર્જ મેડીકલ ઓફિસરને ગુરુવારે અધિકારીઓ સાથેની બેઠકમાં ખખડાવી નાંખ્યા હતા.કમિશનરે કહયુ, તમે ઓછા કેસ બતાવીને રોગચાળો કાબૂમાં છે એમ બતાવવાની કોશીશ ના કરતા.આમ કરવાથી તમે પોતે ખોટા સાબિત થશો.શહેરમાં આવેલા ખાનગી પ્રેકટિસનરો ઉપરાંત હોસ્પિટલોમાંથી પણ મચ્છર અને પાણીજન્ય રોગના કયાં-કેટલા દર્દી નોંધાય છે એ વિગતો જાહેર કરવાનુ રાખજો.ચોમાસુ પુરુ થયા પછી કમળા અને કોલેરા માટેના ૨૭ હાઈરીસ્ક એરીયા હેલ્થ વિભાગ તરફથી જાહેર કરાયા છે.

અમદાવાદમાં આ વર્ષે  ચોમાસાનો સમય દિવાળી પછી પણ લંબાયેલો જોવા મળ્યો હતો.શહેરીજનો શરદી,ખાંસી,તાવ ઉપરાંત વાઈરલ ફિવર જેવા રોગથી મોટી સંખ્યામા બીમાર પડી રહયા છે.આ જ સ્થિતિ પાણીજન્ય રોગમાં પણ જોવા મળી રહી છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના નિયમ મુજબ પાણી ના સેમ્પલ ૯૫ ટકા સુધી ફીટ આવે તો તેને પીવાયોગ્ય ગણાય છે.મ્યુનિ.કમિશનરે ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ભાવિન સોલંકી પાસે પાણીના લેવામા આવતા સેમ્પલ પૈકી કેટલા સેમ્પલમાં કલોરીન નીલ આવ્યુ અને કેટલા સેમ્પલ અનફીટ થયા એ વિગત માંગતા મેડીકલ ઓફિસરની સ્થિતિ કફોડી બની હતી.કેમકે અત્યાર સુધી તેઓ વીકલી રીવ્યુ બેઠકમાં પાણીજન્ય રોગના કેસ વધવા મામલે ઈજનેર વિભાગ ઉપર ઠીકરુ ફોડતા હતા.તેમણે જ આપેલી વિગત મુજબ વર્ષ-૨૦૨૫માં અત્યારસુધીમા કુલ ૫.૨૨ લાખ સેમ્પલ હેલ્થ વિભાગે લીધા હતા.આ પૈકી ૭૫૧ એટલે કે ૦.૧૪ ટકા સેમ્પલમાં કલોરીન જોવા મળ્યુ નહોતુ.પાણીના સેમ્પલ અનફીટ છે કે કેમ તે તપાસવા આ વર્ષમાં અત્યારસુધીમા કુલ ૬૬૮૫૩  પાણીના સેમ્પલના ટેસ્ટ કરાતા ૫૭૮ એટલે કે માત્ર ૦.૮૬ ટકા પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.જે વિસ્તાર પાણીજન્ય રોગના કેસ માટે હાઈરીસ્ક શ્રેણીમા મુકાયા છે તે તમામ એરીયામાં હેલ્થ અને ઈજનેર વિભાગને પાણી અને ડ્રેનેજની લાઈનના લીકેજીસ શોધી સમારકામ કરાવવા માટે મ્યુનિ.કમિશનરે કડક તાકીદ કરી હતી.

ત્રણ વર્ષનો કલોરીન નીલ રીપોર્ટ

વર્ષ    સેમ્પલ લેવાયા  કલોરીન નીલ 

૨૦૨૩  ૧૭૫૩૫૯     ૪૨૩૬

૨૦૨૪  ૪૦૭૫૩૮      ૫૭૭૯

૨૦૨૫ ૫૨૨૪૩૧       ૭૫૧

ત્રણ વર્ષનો સેમ્પલ અનફીટ રીપોર્ટ

વર્ષ    સેમ્પલ લેવાયા  અનફીટ

૨૦૨૩     ૪૨૩૯૮      ૭૯૯

૨૦૨૪  ૬૩૫૦૫        ૧૨૭૪

૨૦૨૫  ૬૬૮૫૩          ૫૭૮

પાણીજન્ય રોગ માટે હાઈરીસ્ક એરીયા

 વોર્ડ   હાઈરીસ્ક એરીયા

બાપુનગર- ગુજરાત હાઉસીંગ બોર્ડ

સરસપુર- શારદાબેન હોસ્પિટલની આસપાસ

બહેરામપુરા- બોમ્બે હોટલ,ખોડીયારનગર,રામરહીમનો ટેકરો,જીતુભગત કમ્પાઉન્ડ

દાણીલીમડા-મજૂરગામ, પરીક્ષીતલાલનગર,સાકળચંદ મુખીની ચાલી

મણિનગર-મિલ્લતનગર

વટવા-સૈયદવાડી,વટવા ગામ તળાવડી

લાંભા-નારોલગામ,નારોલ કોર્ટ

ગોમતીપુર-નુરભાઈ ધોબીની ચાલી,સુવાપંખીની ચાલી,સુંદરમનગર

રામોલ-ખાનવાડી,બચુભાઈના કુવા વિસ્તાર

અમરાઈવાડી-શિવાનંદનગર,ભીલવાડા

જમાલપુર-કાચની મસ્જિદ,સિંધીવાડ,શાહપુર મિલ કમ્પાઉન્ડ

ખાડીયા-કે.કા.શાસ્ત્રીનગર, જુલીયાવાડો