વીજ ફોલ્ટ નિવારણનો કોન્ટ્રાક્ટ સોંપવા સામે ઉઠતો વિરોધ વંટોળ
ખાનગી એજન્સીને લાખોનો ફાયદો, કર્મચારીઓને મોટુ નુકશાન : વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા અસહકાર આંદોલનની ચીમકી : વીજ અકસ્માતનું પ્રમાણ વધશે તેવી દર્શાવાતી ભીતિ
રાજકોટ, : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.માં ફોલ્ટ સેન્ટરનાં ખાનગીકરણના નિર્ણય સામે ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવી ખાનગી એજન્સીને કામ સોંપવાથી બિનઅનુભવી કામદારોના હાથમાં વીજ તંત્રના ફોલ્ટ રિેર કરવાનું કામ સોંપવાથી અણધડ રીતે કામ થશે. ગ્રાહકોની ફરિયાદો ઘટવાને બદલે વધશે તેમજ વીજ અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધવાથી ગ્રાહકોના જાન ઉપર જોખમ તોળાશે તેમ જણાવી ખાનગીકરણનાં નિર્ણય મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી છે.
આજરોજ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.ને આવેદનપત્ર આપી જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવાયું છે કે હાલમાં એમજીવીસીએલમાં ફોલ્ટ રિપેરિંગની તમામ કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે તેના કારણે લાઇનકામનાં બિનઅનુભવી કામદારો ફોલ્ટ રિપેરનું કામ કરી રહ્યાં છે. જેના લીધે થોડા સમયમાં વીજ અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. વીજતંત્રનાં નિપુણ અને તાલીમબધ્ધ ટેકનીકલ કર્મચારીઓ પાસે લાઇનના નેટવર્કનો પુરો અનુભવ હોય છે. એજન્સીના બિનઅનુભવી માણસોનું કામ જોખમી બની જશે. આ પ્રકારનાં કર્મચારીઓ પાસેથી સુપરવાઇઝરો કઇ રીતે કામ લેશે ? જેથી બોર્ડમાં કાયમી ફરજ બજાવતા સુપરવાઇઝરો સામે શિક્ષાત્મક પગલાં લેવાની નોબત આવશે. આ પ્રકારનાં નિર્ણયથી કંપનીનો ખર્ચ વધશે. ગ્રાહકો ઉપર જોખમ પણ વધશે. સુપરવાઇઝરી કેડરના કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરી સામે સવાલો ઉભા થશે. આ સંજોગોમાં વીજ ફોલ્ટની કામગીરીનું ખાનગીકરણ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં નહીં આવે તો અસહકારનું આંદોલન શરૂ થશે તેવી ચીમકી આપવામાં આવી હતી.