સુરતમાં ગેરકાયદે દબાણ કરનારાઓનો ચોરી ઉપરથી સીનાજોરી જેવો ઘાટ , ડિમોલીશન વખતે જ વિરોધ પ્રદર્શન
Surat: સુરત પાલિકાના વરાછા ઝોનમાં આવેલા સણીયા હેમાદમાં પાલિકાની ટીમ ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવા ગઈ તો ગેરકાયદે બાંધકામ કરનારાઓએ પાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો. શહેરના અન્ય વિસ્તારમાં પણ ગેરકાયદે ઔદ્યોગિક બાંધકામ થઈ રહ્યાં છે તો અહી જ ડિમોલીશન કેમ તેવું કહીને પાલિકાની કામગીરી સામે વિરોધ કર્યો હતો.
સુરતના સણીયા હેમાદમાં પાલિકાના અધિકારીઓ અને રાજકારણીઓની મીલીભગતમાં કોટેજ ઈન્ડસ્ટ્રીઝના નામે ગેરકાયદે ઈન્ડર્સ્ટરીયલ બાંધકામ થયા છે. આ ગેરકાયદે બાંધકામ સામે અનેક ફરિયાદ થઈ છે પરંતુ કેટલાક રાજકારણીઓ અને અધિકારીઓ આ બાંધકામને સેફ પેકેજ આપી રહ્યાં છે. તો બીજી તરફ કેટલાક લોકો સતત ફરિયાદ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં આજે પાલિકાની ટીમ સણીયા હેમાદમાં ગેરકાયદે બાંધકામના ડિમોલીશન માટે પહોંચી હતી જ્યાં ગેરકાયદે બાંધકામ કરનારાઓએ પાલિકાની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગેરકાયદે બાંધકામ કરનારાઓએ આક્ષેપ કર્યો હતો કે સુરત શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદે ઔદ્યોગિક બાંધકામ થયા છે તેનું ડિમોલિશન કરવામા આવતું નથી અને અહીં ડિમોલીશન કરવામાં આવે છે. બાંધકામ કરનારાઓ બેનર લઈ વિરોધ પ્રદર્શન કરતા હતા તેઓનો એવો દાવો હતો કે અહી 60 હજાર જેટલા લોકોને રોજીરોટી આપવામાં આવે છે જો ડિમોલીશન કરાશે તો આ લોકોની રોજીરોટી બંધ થઈ જશે. આવી દલીલ સાથે ગેરકાયદે બાંધકામને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.