નડિયાદની ઈટીએસ સ્કૂલમાં ફી, સુરક્ષા અને સ્વચ્છતા મુદ્દે વિરોધ
- નિરાકરણ નહીં આવે તો ઉગ્ર પગલાંની ચિમકી
- રજૂઆતો છતાં મેનેજમેન્ટનું ઉદાસીન વલણ અને અપૂરતા જવાબોથી વાલીઓમાં અસંતોષ
વાલીઓના જણાવ્યા મુજબ, સ્કૂલ ફીમાં સતત અને અયોગ્ય વધારો કરવામાં આવી રહ્યો છે, જેના માટે કોઈ સ્પષ્ટતા આપવામાં આવતી નથી. આજના ડિજિટલ યુગમાં પણ સ્કૂલમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ન હોવાથી વાલીઓને ફી ભરવામાં હાલાકીનો સામનો કરવો પડે છે. સ્કૂલના પરિસરમાં સ્વચ્છતાનો અભાવ અને સુરક્ષા સંબંધિત ચિંતાઓએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સલામતી પર સવાલો ઉભા કર્યા છે.
આ અંગે નિરાકરણ માટે વારંવાર રજૂઆત કરવા છતાં મેનેજમેન્ટનું ઉદાસીન વલણ અને અપૂરતા જવાબોને કારણે વાલીઓમાં અસંતોષ વધ્યો છે. ત્યારે સ્કૂલની સુવિધાઓ અને વ્યવસ્થાપનમાં સુધારાની માંગ સાથે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સહિત શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરી નિરાકરણ લાવવા વિનંતી કરાઈ છે. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વધુ ઉગ્ર પગલાં લેવા વાલીઓએ ચિમકી ઉચ્ચારી છે.